દુ:ખદ@સુરત: 2 સગાભાઈએ જિંદગી ટૂંકાવી, કયા કારણે આવું પગલું ભર્યું ?

આઠ વર્ષથી પરિવાર ફ્લેટમાં રહે છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવત હોય છે.  સુરતના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો. બન્નેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું. હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંબંધીના જણાવ્યા અનુસાર બન્ને ભાઈએ હોમલોન લીધી હતી.

પરીક્ષિતને સંતાનમાં બે પુત્ર, એક પાંચ મહિનાનો જ
મળતી માહિતી પ્રમાણે, મૂળ વલ્લભીપુર તાલુકાના અને વર્ષોથી અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં સુતરિયા પરિવાર રહે છે. 22 વર્ષ પહેલાં પિતા ચંદુભાઈનું અવસાન થયું હતું. ત્યારબાદથી માતા અને બે દીકરા અને બે દીકરીઓએ પરિવારને સંભાળ્યો હતો. ચારેય સંતાનોના લગ્ન પણ કરી દેવામાં આવ્યા છે. પરિવારના બે દીકરા પૈકી મોટો પરીક્ષિત સુતરિયા અને નાનો હિરેન બંને રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. પરીક્ષિતના પરિવારમાં પત્ની, બે દીકરા છે. મોટો પાંચ વર્ષ અને નાનો માત્ર પાંચ મહિનાનો છે. જ્યારે હિરેનના લગ્ન 8 મહિના પહેલા જ કરવામાં આવ્યા હતા. તેને હજુ સંતાન નથી.


પિતાના અવસાન બાદ સુતરિયા પરિવાર સંઘર્ષ કરીને પોતાનું જીવન ચલાવતા હતા. 8 વર્ષ પહેલાં અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે 302 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યારે પણ આર્થિક સ્થિતિ સારી નહોતી. જોકે, પરિવારજનો અને સંબંધીઓએ સપોર્ટ કરતા હોમલોન લઈને આ ફ્લેટ લીધો હતો.


છેલ્લા આઠ વર્ષથી આ પરિવાર આ ફ્લેટમાં રહે છે. ગતરોજ બપોરે અઢી વાગ્યા આસપાસ બંને ભાઈઓ ઘરે હતા. દરમિયાન તેમની પત્નીઓ પણ ઘરે હતી. કંઈ કામ હોવાનું કહીને બંને એક રૂમમાં ગયા હતા. ત્યારબાદ બંને અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. થોડા સમય બાદ જાણ થતાં આસપાસ અને સંબંધીઓ મારફતે બંનેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


બંને ભાઈઓનું ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હોવાનું જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસ દ્વારા પરિવારના અને સંબંધીઓના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, પિતાના અવસાન બાદ આખો પરિવાર સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યો હતો. અત્યારસુધી એ પરિવારમાં આર્થિક સંકડામણ હોય તેવું પણ ક્યારેય સામે આવ્યું નથી. આ સાથે જ કોઈ બીજો પણ પ્રશ્ન હોય એવું અમને લાગતું નથી. આ રીતનું પગલું ભરે તેવું પણ અમને લાગતું નથી. બંને ભાઈઓ ઘણા વર્ષોથી હીરાના કામ સાથે સંકળાયેલા છે. દિવાળી પહેલા બે મહિના મંદીના કારણે કામ નહોતું મળ્યું. જોકે દિવાળી બાદ બંને હીરાની અલગ અલગ કંપનીઓમાં કામ કરતા હતા. હોમલોન હતી અને વચ્ચે નોકરી ન હોવાના કારણે એક-બે હપ્તા બાઉન્સ થયા હોય એવી શક્યતા છે. જોકે, આ મામલે આટલું મોટું પગલું ભરે તેવું લાગી રહ્યું નથી.


સંબંધી મનિષભાઈએ જણાવ્યું હતું કે, બન્ને ભાઈએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી. રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં તેમના ઘરે જ આ પગલું ભરી લીધું હતું. પરિવારમાં બન્ને ભાઈની પત્ની અને તેની માતા છે. ફોન આવ્યો ત્યારે અમને પણ આશ્ચર્ય થયું હતું. મન નથી માનતું, મગજ હા નથી પાડતું કે, આ લોકો આવું પગલું ભરી શકે. કારણ તો એ બન્ને ભાઈ જ જાણતા હતા. આર્થિક સંકડામણનું કારણ હોઇ એવું કંઈ કહી શકું નહીં. બન્ને ભાઈ પર હોમલોન હતી એ મને ખબર છે. બન્ને ભાઈ હીરાની બે અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. તેઓને છૂટા કરી દીધા એવું પણ નથી. બન્ને ભાઈ હીરાનું કામ કરી રહ્યા હતા.


વેડરોડ વિજય નગર-1 ખાતે રહેતી 19 વર્ષીય ભાનુ ભૂપતભાઈ ડોગથિયા બે ભાઈઓ સાથે રહેતી હતી અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થતી હતી. ભાનુના પિતા વતનમાં રહે છે અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. 6 દિવસ પહેલાં ભાનુએ પોતાના ઘરે અનાજમાં નાંખવાની ગોળી પી લીધી હતી. જેની જાણ પરિવારને થતાં તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ચોક બજાર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.