દુ:ખદ@જામનગર: કૂતરાઓએ 10 વર્ષની બાળકી ઉપર હુમલો કરતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું

બાળકી વાડીએ રમતી હતી 
 
દુ:ખદ@જામનગર: કૂતરાઓએ 10 વર્ષની બાળકી ઉપર હુમલો કરતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ ખુબજ વધી ગયો છે. તેમના કારણે લોકોને ગણી મુશ્કેલીઓ પડતી હોય છે. ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે કૂતરાઓએ 10 વર્ષની બાળકી ઉપર હુમલો કરતા તેણીનું ઘટના સ્થળે જ મૃત્યુ થતાં ભારે અરેરાટી પ્રસરી ગઇ છે. ત્રણથી ચાર જેટલા શ્વાને બાળકીને બચકા ભરી પીખી નાખતા ખેતમજૂરી કરતા પરિવારની બાળકીનું કરૂણ મૃત્યુ નિપજતાં પરિવાર પર વ્રજઘાત થયો છે. કાયદાકીય રીતે કૂતરા પકડવાની મનાઈ હોવાથી રખડતા શ્વાનના ઠેર-ઠેર આતંકના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે અરેરાટી જગાવનાર બનાવની મળતી વિગત અનુસાર ભાણવડના રૂપામોરા ગામે રહેતા અને ખેતમજૂરી કરતા હિરાભાઇ પીપરોતરની 12 વર્ષની પુત્રી પુરીબેન રવિવારે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ વાડીએ રમતી હતી ત્યારે અચાનક તેણી પર ત્રણથી ચાર રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો. આથી તેણી ભારે ડરી ગઇ હતી અને બૂમાબૂમ કરી મૂકી હતી. આમ છતાં રખડતા શ્વાનોએ પુરીબેનને બચકા ભરી લઇ રીતસર પીખી નાખી હતી. આથી તેણીને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું.

બનાવની જાણ થતાં લોકો એકઠા થઇ ગયા હતાં અને લોહીલુહાણ થયેલી પુરીબેનને સારવાર અર્થે ભાણવડ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ ત્યાં પણ ફરજ પરના ડોકટરોએ પુરીબેનને મૃત જાહેર કરી હતી. આ બનાવથી નાના એવા રૂપામોરા ગામમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

ભાણવડ પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે, લોકોમાં કૂતરાઓનો ખૌફ વધી રહ્યો છે, અવાર-નવાર નાના-મોટા કૂતરાઓના બટકા ભરવાના બનાવ બનતા રહે છે, પરંતુ હવે બાળકોના જીવ સુધી કૂતરા આવી જતાં લોકોમાં ભયનું લખલખું પ્રસર્યુ છે. બીજી બાજુ કૂતરા પકડવાની મનાઈ હોવાથી તંત્ર હાથ ઉચા કરે છે.

કૂતરાઓએ હુમલો કરતા પુરીબેનનું મૃત્યુ નિપજતા ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હિરાભાઇના પરિવાર પર વ્રજઘાત થયો છે. પુરીબેન ધો. 6માં અભ્યાસ કરતી હતી અને તેણીને 2 બહેન અને 1 ભાઇ છે. પુરીબેનના મૃત્યુથી પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ ઘટનાના પગલે ગ્રામજનો સ્તબ્ધ બની ગયા છે. જોકે, ભાણવડમાં આવી ઘટના અવાર-નવાર બનતી હોવાનું લોકોમાં ચર્ચાઇ છે.

ભાણવડના આરોગ્ય કેન્દ્રના સૂત્રો જણાવે છેકે, ભાણવડમાં કૂતરાઓનો આતંક ઓછો નથી, અહીં લોકો કૂતરા કરડવાના બનાવથી દરરોજ આવી રહ્યા છે, માત્ર તાલુકા નહિં પરંતુ ગામડાઓમાંથી પણ લોકો આવે છે, ચાર-પાંચ કેસ નોંધાઇ છે, પરંતુ તેનાથી વધુ તો જિલ્લાકક્ષાએ આ લોકો ચાલ્યા જાય છે.

ભાણવડ પંથકમાં બેથી ત્રણ મહિલા પહેલા પણ આવો જ ચકચારી બનાવ બન્યો હતો, જેમાં ધો. 3માં અભ્યાસ કરતી પૂજા નામની 9 વર્ષની બાળકી પર કૂતરાઓએ ઘાતકી હુમલો કર્યો હતો. પરંતુ સમયસર તેને સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના બાદ પણ તંત્ર કે વાલીઓએ આ બાબતની કોઇ નોંધ લીધી ન હતી કે ન કોઇ ગંભીરતા દાખવી ન હતી. જેના કારણે રવિવારે મોટી ઘટના ઘટી ગઇ.