ચૂંટણી@અમદાવાદ: વડાપ્રધાન મોદી મત આપવા ગયા ને ભાવુક દૃશ્યો સર્જાયાં
મોદીના મોટા ભાઈ હીરાબાને યાદ કરી રડી પડ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારેય વડાપ્રધાન મોદી પણ મતદાન કરી રહ્યા છે. આજે લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. કડક સુરક્ષા હેઠળ પીએમ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પગપાળા જ મતદાન મથક પર જઈ રહ્યા હતા ત્યારે મથક પર અમુક ભાવુક દૃશ્યો સર્જાયા હતા. નાનકડી બાળકી PMને જોઈને ભાવુક થઈ ગઈ હતી અને હેતથી ભેટી પડી હતી તો બીજી તરફ મોદીના મોટાભાઈ માતા હિરાબાને યાદ કરીને રડી પડ્યા હતા.
આ ભાવુક દ્રશ્યો અંગે બાળકી સાથે દિવ્યભાસ્કરે વાત કરી. બાળકી પોતાની મૃદુભાષામાં બોલી કે, મારુ નામ ચિન્કી ત્રિવેદી છે. હું સેક્ટર-5 61 નંબરમાં રહુ છું. PMને જોઈને હું રેલિંગ કુદીને નીચે જતી રહી. પછી મને બ્લેક કમાન્ડોએ રોકી દીધી પણ મને નરેન્દ્ર દાદાએ બોલાવી લીધી. મને નરેન્દ્ર દાદાએ પૂછ્યું કે, તારું નામ શું છે? મેં કીધું મારું નામ ચિન્કી છે. એમણે પૂછ્યું કઈ સ્કૂલમાં ભણે છે? બાલમુકુંદ વિધાલયમાં ભણું છું. બીજી કંઈ વાત નથી થઈ.
પ્રોટોકોલવાળાએ રોકી પણ સાહેબે તેને બોલાવી લીધી: બાળકીના પિતા
તેમણે જણાવ્યું કે, મારુ નામ જીતેન્દ્ર પ્રકાશભાઈ ત્રિવેદી છે. હું સેક્ટર-5 61 નંબરમાં રહુ છુ. PM અહીં પહોંચ્યા ત્યારે તેમને જોઈને બેબી ભાવુક થઈ ગઈ અને રેલિંગ કૂદીને નીચે જતી રહી. પ્રોટોકોલવાળાએ બેબીને રોકી પણ સાહેબે એને બોલાવી ને બેબી તેમને ભેંટી પડી. ત્યારબાદ કઈ સ્કૂલમાં ભણે છે? કયા ધોરણમાં ભણે છે? શું નામ છે? એવું બધું પુછ્યું.
PM જ્યારે પગપાળા બૂથ પર મતદાન આપવા માટે આવી રહ્યા હતા ત્યારે તેમના સફેદ કુર્તા-પાયજામા અને હાફ જેકેટ પહેરેલા એક વ્યક્તિ તેમની રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાને આવતાની સાથે જ તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું અને પછી અંદર મત આપવા માટે મથકની અંદર પ્રવેશ્યા. આ વ્યક્તિ છે નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી .સોમાભાઈએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘પીએમ પોતાની મતદાન સ્લીપ લઈને મતદાન મથક પર પહોંચ્યા અને ત્યારબાદ તેમણે મતદાન કર્યું. તે વોટ આપીને બહાર નીકળ્યા ને પછી મે મતદાન કર્યું.’
માતા વગરનું આ પહેલુ મતદાન છે આ વાત યાદ કરીને સોમાભાઈની આંખો ભીની થઈ ગઈ હતી અને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વખતે ચૂંટણીમાં મતદાન પહેલા માતાના આશીર્વાદ લઈને બંને ભાઈઓ મતદાન મથકે મતદાન કરવા પહોંચતા હતા ત્યારે આ ચૂંટણીમાં હીરાબા હયાત ન હોવાના કારણે સોમાભાઈ ભાવુક થયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 મેની રાત્રે મતદાન કરવા ગુજરાત પહોંચ્યા હતા. રાજભવન ખાતે રાત્રિના આરામ બાદ PM મોદીએ સવારે અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. આ પહેલા તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને મોટી સંખ્યામાં વોટ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ લખ્યું કે હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે.