ચૂંટણી@ગુજરાત: ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન અને 4 જૂને મતગણતરી થશે

ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ
 
ચૂંટણી@ગુજરાત: ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન  અને 4 જૂને મતગણતરી થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના હવે  થોડા જ દિવસ બાકી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. આ સાથે જ ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી કરાઇ. આ બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી જીત્યા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી. જે અંગે કેસ ચાલી રહ્યો છે.

રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ગુજરાતની 26 બેઠકો પર જંગ જામ્યો છે ત્યારે આ વખતે શું કોંગ્રેસ કોઇ કમાલ કરી શકશે કે પછી 2014 અને 2019ની ચૂંટણીનું પરિણામ રિપીટ થશે? ભાજપ ફરી ક્લીન સ્વીપ કરીને જીતની હેટ્રિક મારશે? તે સવાલ મહત્વના છે.


દેશના ઇતિહાસમાં 2014નું વર્ષ રાજકીય રીતે ટર્નિંગ પોઇન્ટ રહ્યું છે. ગુજરાતમાં પણ 2014થી માહોલ બદલાઇ ગયો હતો. જ્યાં 2009માં ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપ પાસે હતી અને 11 બેઠકો કોંગ્રેસ પાસે હતી પરંતુ 2014થી ગુજરાતમાં ચિત્ર પલટાયું. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા. કોંગ્રેસનો એકપણ ઉમેદવાર જીતી ન શક્યો. આવું જ ફરીથી 2019માં પણ થયું. 2019માં પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા હોવા છતાં ગુજરાતની તમામ 26 બેઠક પર હાર થઇ.


વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 48 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા. 15 બેઠક પર ભાજપની જીત થઇ હતી તો 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી.ભાજપને કોંગ્રેસ કરતા 3.51 ટકા વધુ મળ્યા હતા. 2014ની ભાજપ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 59 ટકા અને કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠકો કબ્જે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 26.2 ટકા વધુ મત મળ્યા હતા. 2009માં ભાજપનો વોટ શેર 47 ટકા હતો જે 2014માં 12 ટકા વધીને 59 ટકા થઇ ગયો. જ્યારે 2009માં કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા જે 2014માં 11 ટકા ઘટીને 33 ટકા થઇ ગયા. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 62 ટકા અને કોંગ્રેસને 32 ટકા મત મળ્યા હતા. તમામ 26 બેઠકો પર ભાજપે ફરી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 30.1 ટકા વધુ મત મળ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાબરકાંઠા બેઠક પરથી, કુંવરજી બાવળિયા રાજકોટ બેઠક પરથી, વિક્રમ માડમ જામનગર બેઠક પરથી, પૂંજા વંશ જૂનાગઢ બેઠક પરથી, વીરજી ઠુંમર અમરેલી બેઠક પરથી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આણંદ બેઠક પરથી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ ખેડા બેઠક પરથી, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા છોટા ઉદેપુર બેઠક પરથી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી બારડોલી બેઠક પરથી હાર્યા હતા.


2024ની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસના 2 પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો. નવા લોકોને તક મળે તેવું કહીને 11મી માર્ચે જગદીશ ઠાકોરે ચૂંટણીના મેદાનમાંથી પાછીપાની કરી તો તેના બીજા જ દિવસે એટલે કે 12મી માર્ચે ભરતસિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી.


કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેર, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા, ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ, વીજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા સહિતના નેતાઓ અને 10,500થી વધુ કાર્યકરો કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઇ ગયા.

182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટા-ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે. રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભા પેટાચૂંટણી યોજાશે તો પરિણામો રસાકસીવાળા બની રહેશે.

1. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. 2. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. 3. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું. 4. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું. 5. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 6. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

હવે આ બેઠકો પર કોણ ઉમેદવાર હશે તે અંગે અટકળો જામી છે પણ મોટાભાગે પક્ષપલટુઓને ભાજપ પેટાચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે. આ વિધાનસભા મત વિસ્તારમાં બે ઈવીએમ હશે. આ બેઠકો પર મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ બે ઉમેદવારને મત આપશે.

લોકસભા સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત

ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024ની તારીખોનું એલાન કર્યું. આ સાથે આંધ્રપ્રદેશ, ઓડિસા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખોનું પણ એલાન કર્યું છે.