મનોરંજન@ગુજરાત: 'લાલો' ફિલ્મે ₹100 કરોડ કમાણી કરી ઈતિહાસ રચ્યો, જાણો વધુ વિગતે

'લાલો'ની લોકપ્રિયતા હવે માત્ર ગુજરાત કે ભારતના શહેરો સુધી સીમિત નથી. તેને વિશ્વના અનેક દેશોમાં રિલીઝ કરવામાં આવી છે, અને દરેક જગ્યાએ તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
 
મનોરંજન@ગુજરાત: 'લાલો' ફિલ્મે ₹100 કરોડ કમાણી કરી ઈતિહાસ રચ્યો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

'લાલો' ફિલ્મે ₹100 કરોડ કમાણી કરી ઈતિહાસ રચ્યો છે. એક બાદ એક તમામ રેકોર્ડ બ્રેક કરી 51માં દિવસે ઈન્ડસ્ટ્રીનો ઈતિહાસ લખી નાખ્યો છે. ગુજરાતી સિનેમાની પહેલી ₹100 કરોડ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધી બોલિવૂડની અને સાઉથની ફિલ્મો જ 100 કરોડના કલબમાં એન્ટ્રી લઈ શકતી હતી, પરંતુ આ માપદંડ 'લાલો- શ્રીકૃષ્ણ સદા સહાયતે'એ બદલી નાખ્યો છે.

ફિલ્મની રિલીઝને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, તેની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે, જે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશના પ્રેક્ષકોને પણ આકર્ષી રહી છે. ગુજરાતી ફિલ્મ 'લાલો-શ્રીકૃષ્ણ સદા સહાયતે' આજે જ્યારે ₹100 કરોડના ક્લબમાં સામેલ થઈ છે, ત્યારે તેનું આકર્ષણ ચરમસીમાએ છે. રિલીઝ થઈ ત્યારથી જ આ ફિલ્મે દર્શકો પર ઊંડી અસર છોડી છે. ઘણા વીડિયોમાં લોકો ફિલ્મના સંવાદો સાંભળીને ભાવુક થઈ રડતા જોવા મળે છે, તો ક્યાંક દર્શકો થિયેટરમાં જ ગરબે ઘૂમીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે.

લાલો'ની લોકપ્રિયતા હવે માત્ર ગુજરાત કે ભારતના શહેરો સુધી સીમિત નથી. તેને વિશ્વના અનેક દેશોમાં રિલીઝ કરવામાં આવી છે, અને દરેક જગ્યાએ તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે ગુણવત્તાયુક્ત કન્ટેન્ટને કોઈ સરહદ નડતી નથી. 'લાલો' ફિલ્મનું વૈશ્વિક કલેક્શન ₹100 કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગુજરાતી સિનેમા માટે અત્યાર સુધીની સૌથી મોટી અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. ગુજરાતી ફિલ્મો માટે આટલો મોટો આંકડો હાંસલ કરવો એ એક મોટો પડકાર હોય છે, પરંતુ 'લાલો' આ પડકારને પાર કરીને એક નવો રેકોર્ડ સ્થાપવામાં સફળ રહી છે.

માત્ર ₹50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો. ભારતમાં તેણે ₹81.65 કરોડથી વધુની કમાણી કરી અને વિશ્વભરમાં ₹100 કરોડને વટાવી ગયા. લગભગ 150 ગણા રોકાણ પર વળતર સાથે, તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બની. IMDb પર તેનું રેટિંગ 8.6 છે. રિલીઝ થઈ ત્યારે ફિલ્મને કંઈ એટલી ખાસ પ્રશંસા મળી નહોતી ઉલટાનું સ્ક્રિનિંગ પણ દિવસે ને દિવસે ઓછી થઈ ગઈ હતી. પરંતુ ફિલ્મની ટીમે હાર ન માની અને લોકો સુધી પહોંચ્યા અને ફિલ્મનો સાચો મતલબ સમજાવ્યો, દિવાળી બાદ જે રીતે ફિલ્મે હિટ કર્યું તે ખરેખર એક ચમત્કાર હતું.