ઘટના@અમદાવાદ: ટ્રેનમાં કાળા કલરની બેગમાંથી નવજાત બાળકી મળી, જાણો વધુ વિગતે

પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે
 
રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે.  લોકશક્તિ ટ્રેનના જનરલ કોચની સીટ પરથી કાળા કલરની એક બેગ મળી હતી. મુસાફરને શંકા જતા બેગની તપાસ કરતા બેગમાંથી નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને પોલીસને સોંપી દેવામાં આવી હતી. આ અંગે અમદાવાદ રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.

સુરતમાં રહેતા અલ્પેશ પ્રજાપતિ ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરે છે.

રવિવારે રાત્રે યુવક અને તેના વૃદ્ધ પિતા કોસંબા સ્ટેશનથી અમદાવાદ આવવા લોકશક્તિ ટ્રેનના જનરલ કોચમાં બેઠા હતા. સોમવારે પરોઢિયે ટ્રેન અમદાવાદ કાલુપુર સ્ટેશનના પ્લેટફોર્મ નં.6 પર પહોંચી હતી. તમામ પેસેન્જર ઉતરી રહ્યા હતા ત્યારે યુવકની નજર ટ્રેનમાં બહાર નીકળવાના દરવાજા નજીક સીટ પર લટકાવેલા કાળા કલરના થેલા પર પડી હતી. યુવકને લાગ્યું કે કોઈ સામાન ભૂલી ગયું છે.

યુવકે બેગ ખોલીને તપાસ કરી તો તેમાં ગુલાબી કલરના કાપડમાં એક નવજાત બાળકી સ્વચ્છ હાલતમાં મૂકેલી હતી. બેગમાં બાળકીને જોતા જ યુવક તેના પિતા અચંબામાં પડી ગયા હતા. યુવકે બેગમાંથી બાળકીને બહાર કાઢીને રેલવે પોલીસને સોંપી હતી. રેલવે પોલીસની ટીમ તાત્કાલિક બાળકીને લઈને સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. કોસંબાથી અમદાવાદ સુધીના સ્ટેશન સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે.