ઘટના@રાજકોટ: સગીરાને પ્રેમી ભગાડી ગયા બાદ બંનેએ સાથે ઝેરી દવા પી લેતા એકનું મોત

. સગીરાની લાશને પરિચિતના ઘરે રાખી
 
દવા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે. જામનગરની સગીરાને કચ્છનો પરિણીત પ્રેમી ભગાડી ગયા બાદ બંનેએ કચ્છમાં સાથે ઝેરી દવા પી લીધી હતી. યુવક અને સગીરાને હોસ્પિટલે ખસેડવાને બદલે તેના પરિવારજનો અંધશ્રદ્ધાથી પ્રેરાઇને ફારકી (ચોકી) બંધાવવા બંનેને પલાસ ગામે લઇ જતાં હતા ત્યારે સગીરાનું રસ્તામાં મૃત્યુ થઇ ગયું હતું. સગીરાની લાશને પરિચિતના ઘરે રાખી યુવકને ધાર્મિક વિધિ કરવા લઇ ગયા હતા અને બાદમાં તેને હોસ્પિટલે પહોંચાડાયો હતો.

જામનગરની શંકર ટેકરી વિસ્તારમાં રહેતી હેતલ નામની 16 વર્ષની સગીરા ગત તા.5ની સાંજે ઠંડું પીણું લેવા જવાનું કહી પોતાના ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગઇ હતી. તા.10ના મોરબીના મકનસરની સીમમાં રહેતા ધનજીભાઇ વાઘેલાએ હેતલની લાશ તેના ઘરે તેના વેવાણ અમરીબેન આદ્રોજિયા મૂકી ગયાની જાણ કરતા મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને હેતલના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકટો હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સગીરા હેતલ સાથે રાપરના આડેસર ગામના પરિણીત ભરત રણછોડ આદ્રોજિયાને પ્રેમસંબંધ હતો અને ગત તા.8ના ભરત સગીરાને ભગાડી ગયો હતો એક દિવસ બંને કોઇ સ્થળે રોકાયા હતા અને 10મીએ પોતાના ગામ આડેસર પહોંચ્યા હતા જ્યાં બંનેએ ઝેરી દવા પી લીધી હતી.

પ્રેમીયુગલને હોસ્પિટલે ખસેડવાને બદલે પ્રેમી ભરતના પરિવારજનો બંનેને માટેલના પલાસ ગામે માતાજીના સ્થાનકે ફારકી (ચોકી) બંધાવવા લઇ જવા રવાના થયા હતા. સૂરજબારી પાસે પહોંચ્યા હતા ત્યારે રસ્તામાં હેતલનું મૃત્યુ થયું હતું. જેથી હેતલનો મૃતદેહ ભરતના સસરા બાબુભાઇ પરમાર કે જે મકનસર રહે છે ત્યાં જઇને ભરતની માતા અમરીબેન સહિતના લોકો મૂકી આવ્યા હતા અને ભરતને ફારકી બંધાવવા પલાસ મંદિરે લઇ ગયા હતા. મંદિરે તેની ધાર્મિક વિધિ કરાવી બાદમાં ભરતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભરતની હાલત પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

જ્યારે અન્ય એક ઘટનામાં અમદાવાદના ન્યુ રાણીપમાં વૃદ્ધ મહિલાને મદદના બહાને પર્સમાંથી અજાણી મહિલાએ 3 લાખના સોનાના દાગીના સેરવી લીધા હોવાની ફરિયાદ રાણીપ પોલીસમાં નોંધાઈ છે. ન્યૂ રાણીપમાં રહેતાં ક્રિષ્ણાબેન પટેલને શુક્રવારે વડનગરના શિપોર જવાનું હતું, જેથી તેઓ સાતેક તોલા દાગીના ભરેલા પર્સ સાથે નવસર્જન સ્કૂલ પાસેના સિટી બસ સ્ટેન્ડ પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી.