બનાવ@નરોડા: બે અજાણ્યા શખ્સોએ યુવકને માર મારી લૂંટી પલાયન થઈ ગયા

બંને શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
 
બનાવ@નરોડા: બે અજાણ્યા શખ્સોએ યુવકને માર મારી લૂંટી પલાયન થઈ ગયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં લુંટના બનાવો ખુબજ વધી ગયા છે.એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડામાં દહેગામ બ્રિજ પાસે બે શખ્સોએ યુવકને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડીને લાકડાના દંડા અને ચપ્પુ વડે હુમલો કરીને લૂંટી લીધો હતો. ત્યારબાદ લૂંટારુઓ પલાયન થઇ ગયા હતા. આ અંગે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

ઓઢવમાં રહેતો 21 વર્ષીય બ્રિજેશ પ્રજાપતિ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 20 સપ્ટેમ્બરની રાત્રે તેઓ નોકરીથી પરત ઘરે જતા હતા ત્યારે તેમના મિત્રે તેમને નરોડા દહેગામ સર્કલ ખાતે ઉતાર્યો હતો. જે બાદ બ્રિજેશ ઘરે જવા માટે દહેગામ સર્કલ પાસેથી એક રિક્ષા ભાડે કરી તેમાં બેઠો હતો જેમાં અગાઉથી જ એક પેસેન્જર બેઠો હતો.

જે બાદ રિક્ષાચાલકે દહેગામ બ્રિજ પાસે રિક્ષા ઊભી રાખી હતી અને લાકડાના દંડો બતાવીને બ્રિજેશને તારો મોબાઇલ પર્સ બધુ આપી દે નહીં તો જાનથી મારી નાખીશ. તેમ કહેતા બ્રિજેશે ના પાડતા રિક્ષાચાલક અને પેસેન્જર તરીકે બેસેલ શખ્સે બ્રિજેશને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. બંને શખ્સોએ બ્રિજેશ પર લાકડાના દંડા અને ચપ્પુ વડે હુમલો કરીને મોબાઇલ અને પર્સમાં રહેલ રોકડા રૂ. 9 હજાર લૂંટી લીધા હતા. જે બાદ બ્રિજેશને ઇજા થતા તેને બૂમાબૂમ કરતા બંને શખ્સો ત્યાંથી પલાયન થઇ ગયા હતા.

આ અંગે બ્રિજેશે અજાણ્યા બંને શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.