ઘટના@અમદાવાદ: પક્ષી બચાવવા જતા ફાયર કર્મી હાઈટેન્શન લાઈનને અડી જતા તેમનું કરુણ મોત નીપજ્યું

મૃતક ફાયરકર્મીના પત્નીને નોકરી આપવાની માગ
 
ઘટના@અમદાવાદ: પક્ષી બચાવવા જતા ફાયર કર્મી હાઈટેન્શન લાઈનને અડી જતા તેમનું કરુણ મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વીજકરંટથી મોતની કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાંજ  અમદાવાદથી એક બનાવ સામે આવ્યો છે, જેમાં પક્ષીને બચવા જતા યુવકનું મોત નિપજ્યું.  બોપલ ઘુમા રોડ પર આવેલી દેવ રેસીડેન્સી નજીક હાઈટેન્શન વાયર લાઈન પક્ષી ફસાઈ જવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. પક્ષી બચાવવા જતા ફાયર કર્મી અનિલ પરમાર હાઈટેન્શન લાઈનને અડી જતા ગણતરીની મિનિટોમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ફાયર કર્મીના મોતના સમાચાર મળતાની સાથે જ ફાયર અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી હતી.

મૃતક ફાયરકર્મીના પત્નીને નોકરી આપવાની માગ મ્યુનિ. તંત્રએ સ્વીકારીને પરિવાર સાથે સમાધાન કર્યું હતું.

ફાયરબ્રિગેડના કર્મી અનિલ પરમાર મૂળ સાણંદના રહેવાસી હતા. હાઈટેન્શન વાયરને અડી જતા ફાયર કર્મી ભડથું થઈને નીચે પટકાઈ ગયા હતા. હાલ તેમના પરિવારમાં શોકનો માહોલ પ્રવર્તી ગયો છે. મંગળવારે સવારે બોપલ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે, બોપલ- ઘુમા રોડ પરની દેવ રેસીડેન્સી પાસે હાઈટેન્શન વાયરની લાઈન પર એક પક્ષી ફસાઈ ગયું છે. બોપલ ફાયર સ્ટેશનના કર્મચારી અનિલ પરમાર તેમના સ્ટાફની સાથે બોર્ડ રેસક્યુ કોલ અટેન્ડ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. અનિલ પરમાર ઉપરથી પક્ષીને ઉતારવા માટે ચડ્યા હતા તે દરમિયાન તેમનો હાથ હાઈટેન્શન વાયરને અડી જતા આંખના પલકારામાં તે સળગી ઊઠ્યા હતા. સ્ટાફ દ્વારા તેમને બચાવી લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે અનિલ પરમારનું સ્થળ પર જ અરેરાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

મૃતક અનિલ પરમારના પિતા ગોરાભાઈ પરમારે જણાવ્યું હતું કે, પુત્ર ગુમાવવાના કારણે પરિવાર નિરાધાર થઈ ગયો છે. મૃતક અનિલ પરમારના પત્ની ભણેલા છે, જેથી તેઓને સરકારી નોકરી આપવાની અમારી માગ છે. જ્યાં સુધી નોકરી નહીં આપવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. પુત્ર બર્ડ રેસ્ક્યુના કોલમાં ગયો હતો, ત્યારે ઘટના બની છે કોઈ પણ પ્રકારની સેફ્ટીકીટ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી નહોતી.

અકસ્માત વીમો લેવો જોઇએ : વિપક્ષનેતા

ફાયર બ્રિગેડનાં જવાનનાં કરૂણ મરણથી અમને પણ દુખ થયુ છે, આવી કપરી ઘડીમાં મ્યુનિ. તેનાં પરિવારજનો સાથે જ છે અને તેમના પરિવાર માટે ચર્ચા વિચારણા કરીને સકારાત્મક નિર્ણય લેવાશે તેમ સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું. જ્યારે મ્યુનિ. કોંગ્રેસ પક્ષનેતા શેહઝાદખાન પઠાણે ફાયર બ્રિગેડ કર્મચારીઓ માટે અકસ્માત વીમો લેવાની હિમાયત કરતાં મરણ પામેલાં કર્મચારીનાં પરિવારજનોને એક કરોડની સહાય કરવાની માંગણી કરી હતી.