બનાવ@છોટા ઉદેપુર: વોચમેનને દીપડાએ ફાડી ખાધો, 2 કિલોમીટર દૂરથી મૃતદેહ મળ્યો

લાશને કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલાઈ

 
બનાવ@છોટા ઉદેપુર: વોચમેનને દીપડાએ ફાડી ખાધો, 2 કિલોમીટર દૂરથી મૃતદેહ મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર હિંસક પશુઓના હુમલાનાં બનાવો સામે આવતા હોય છે. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આંબાખૂટ ગામના અને વન વિભાગમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા એક વોચમેનને ગઈકાલે સાંજે દીપડો પકડીને 2 કિલોમીટર સુધી જંગલમાં ખેંચી જઈ ખાઈ ગયો હતો. જેના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. લાશને જોતા દીપડાએ વનકર્મીના શરીરનો શિકાર કરી માસના ચીથરે ચીથરા કરી નાખ્યા હતા. શરીરનો ઘણો બધો ભાગ ગાયબ હતો. જે જોતાં વન્યકર્મીઓ પણ જંગલમાં સુરક્ષિત નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. લોકોમાં ફફડાટ ફેલાયો છે. આવી રીતે જંગલનું રક્ષણ કરતા વનકર્મી જ વન્ય પ્રાણીના હુમલાનો શિકાર બની ગયાની જિલ્લામાં પ્રથમ ઘટના બની છે.

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વન વિભાગના આંબાખૂટ ગામે રહેતા ગણપતભાઈ ટેટાભાઈ બારિયા છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી વન વિભાગમાં આઉટસોર્સમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે સાંજે તેઓ ફરજ પરથી ઘરે પરત ફર્યા ન હતા, જેને લઇને સવારે પરિવારજનો તપાસમાં નીકળ્યા હતા અને વન વિભાગને પણ જાણ કરી હતી. જેથી પરિવારજનો અને વન વિભાગે તપાસ હાથ ધરી હતી.

જેને લઇને વન વિભાગે પોલીસને સાથે રાખીને તપાસ શરૂ કરી હતી. જંગલમાં પરિવારજનો, વન વિભાગના કર્મચારીઓ અને પોલીસે સંયુક્ત રીતે શોધખોળ કરતાં સવારના લગભગ 9.15 વાગ્યાના અરસામાં તેમના ચંપલ અને બેગ મળી આવ્યા હતા. જે સ્થળેથી બેગ અને ચંપલ મળી આવ્યા હતા ત્યાંથી ઢસડીને લઈ ગયાના નિશાનના પણ મળી આવ્યા હતા. જેના આધારે જંગલમાં શોધખોળ કરતાં બપોરના લગભગ 3 વાગ્યાના અરસામાં આંબાખુટના જંગલમાં તપાસ કરતાં બે કિલોમીટર દૂર જેટલા અંતરેથી લાશ મળી આવી હતી. લાશને જોતાં મૃતક ગણપતભાઈની પીઠ ઉપર કરડી ખાધેલું જણાઈ આવ્યું હતું. તેમના શરીરના મોટાભાગનો ભાગ ગાયબ હતો. શરીરના આંતરડાં અને માસના લોચેલાચા જોવા મળ્યા હતા.

વન વિભાગ તથા પોલીસે ગણપતભાઈની લાશની તપાસ કરતાં ગણપતભાઈ ઘરે પરત ફરતા હતા ત્યારે લગભગ 6 વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડા દ્વારા ગણપતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેમને લગભગ બે કિલોમીટર સુધી જંગલમાં ખેંચી જઈને પીઠના ભાગે કરડી ખાધેલી હાલતમાં આજે બપોરે તેમની લાશ મળી આવી હતી.

આ અંગે સુત્રો દ્વારા મળતી વધુ માહિતી મુજબ, આંબાખુટ ગામના ગણપતભાઈ ટેટાભાઇ બારિયા વન વિભાગમાં લગભગ 15 વર્ષ કરતા વધુ સમયથી વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. પાવી જેતપુર રેન્જમાં આંબાખૂટ ગામના જંગલની જવાબદારી તેઓ સંભાળતા હતા. ગણપતભાઈ બારિયા પોતે લગ્ન કર્યા ન હતા. તેમના પરિવારમાં બે ભાઈઓ અને તેમના દીકરાઓ છે. આંબાખૂટ ગામ સુખી ડેમની પાછળના ભાગમાં આવેલું ગામ છે. જ્યાં મોટી સંખ્યામાં દીપડા અને રીંછની વસ્તી છે અને અવારનવાર દીપડો અને રીંછ જોવા મળે છે.

જો કે આ લાશ મળી આવતાં વન્યકર્મીઓ પણ જંગલમાં સુરક્ષિત નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. લોકોમાં ફફડાટ ફેલાયો છે. આવી રીતે જંગલનું રક્ષણ કરતા વનકર્મી જ વન્ય પ્રાણીના હુમલાનો શિકાર બની ગયાની જિલ્લામાં પ્રથમ ઘટના બની છે.

સમગ્ર ઘટનાને લઈ વન અધિકારી દ્વારા પ્રાથમિક તપાસના આધારે નોંધવામાં આવેલી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આંબાખૂટ ગામના વન વિભાગમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા વોચમેનને ગઈકાલે સાંજે દીપડો પકડીને બે કિલોમીટર સુધી જંગલમાં ખેંચી જઈ ખાઈ ગયો હતો. જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જે બાબતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં મૃતક પોલીસને સાથે રાખીને તાત્કાલિક કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે.