આંદોલન@ગુજરાત: HTAT મુખ્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકોનું ઉપવાસ આંદોલન

રાજ્યભરમાંથી HTATના મુખ્ય શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા
 
આંદોલન@ગુજરાત: HTAT મુખ્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકોનું ઉપવાસ આંદોલન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક અંદોલનો જોવા મળતા હોય છે. હાલમાં શિક્ષકો દ્વારા અંદોલન કરવામાં આવી રહ્યું છે.  રાજ્યભરમાં HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો આજે પોતાની પડતર માગણીઓને લઈ ગાંધીનગર પહોંચ્યા છે. પોતાની વર્ષો જૂની પડતર માગણીનો ઉકેલ લાવવાની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. HTAT શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવા અને બાલવાટિકાથી ધોરણ 8ની શાળામાં જ્યાં 150 વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓમાં એક HTAT મુખ્ય શિક્ષક આપવાની સહિતની પડતર માગણીઓનો ઉકેલ લાવવાની માગ કરવામાં આવી છે.


ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી HTATના મુખ્ય શિક્ષકો પોતાના પડતર પ્રશ્નનોને લઈ લડત ચલાવી રહ્યા છે. પડતર પ્રશ્નોને લઈ ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે આંદોલનનાં મંડાણ કર્યાં છે. જે અન્વયે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ પોતાની માંગણીને લઈને ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે.

શિક્ષક સંઘે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. આ સાથે HTATના નિયમોની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતમાંથી HTAT કેડરના મુખ્ય શિક્ષકો મોટી સંખ્યામાં આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા અને HTAT આચાર્યો માટે ટ્રાન્સફરના નિયમોને વ્યાખ્યાયિત કરતો પરિપત્ર બહાર પાડવામાં વિલંબનો વિરોધ કર્યો હતો.સરકાર સાથે સમયાંતરે મુખ્ય શિક્ષકો સાથે ચર્ચાઓ થઈ છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.