તહેવાર@ગુજરાત: આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પાંચમી તિથિ એટલે કે નાગ પાંચમ

અગ્નિપુરાણમાં પણ 80 પ્રકારના નાગકુળનું વર્ણન છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પાંચમી તિથિ એટલે કે નાગ પાંચમ છે. 1 સપ્ટેમ્બર 2026ને મંગળવારે સવારે 07:42 વાગ્યાથી 2 સપ્ટેમ્બર, બુધવાર સવારે 07:42 વાગ્યા સુધી પાંચમની તિથિ રહેશે. નાગ પાંચમ એ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્ત્વનું પર્વ નથી, પરંતુ કૃષિ ક્ષેત્રે પણ સાપની ભૂમિકા અગત્યની હોય છે, તેને ધ્યાને લઈને પણ પર્વ ઉજવવામાં આવે છે.

એક સંશોધન મુજબ દુનિયામાં 3,600થી વધારે સાપની પ્રજાતિઓ છે, જેમાંથી લગભગ 333 પ્રજાતિઓ ભારતમાં વસવાટ કરે છે. અગ્નિપુરાણમાં પણ 80 પ્રકારના નાગકુળનું વર્ણન છે.

ભગવાન શિવના ગળામાં ઘરેણાં તરીકે સ્થાપિત થયેલા સાપ વિશે અનેક લોક માન્યતાઓ છે. સાથે જ ફિલ્મો અને પૌરાણિક કથાઓમાં સાપ સંબંધિત કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેના વાસ્તવમાં વૈજ્ઞાનિક આધાર હોતા નથી. કેટલીક વાર પૌરાણિક કથાઓમાં લખેલી કે કહેલી વાતનું યોગ્ય અર્થઘટન ન થવાના કારણે પણ ગેરસમજ થાય છે.

ત્યારે આજે નાગ પાંચમે જાણીએ કે, શું સાપ દૂધ પીવે છે? શું સાપ મણિધારી અને ઇચ્છાધારી સાપ હોય છે? શું સાપ ઊડી શકે છે? શું નાગ-નાગણ બદલો લઈ શકે છે? સાપ બીનની ધૂન પર કેમ નાચે છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર નાગપંચમીએ આ 5 સાપની વિશેષ પૂજા કરવામાં આવે છે…

1. શેષનાગઃ

માન્યતા છે કે, શેષનાગના ફેણ પર પૃથ્વી ફરે છે અને તે ફક્ત પાતાળલોકમાં રહે છે. શેષનાગ ભગવાન વિષ્ણુના સેવક છે, જેમણે ત્રેતાયુગમાં ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણજી તરીકે અને દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામજી તરીકે અવતાર લીધા. માન્યતા છે કે, શેષનાગને હજાર મસ્તક છે. તેમનો કોઈ અંત નથી, તેથી જ તેમને 'અનંત' પણ કહેવામાં આવે છે.

શેષનાગ ઋષિ કશ્યપ અને તેમના પત્ની કદ્રુના પુત્ર હતા. તે કદ્રુના હજારો પુત્રોમાં સૌથી મોટા અને શક્તિશાળી હતા. કાશ્મીરનો અનંતનાગ જિલ્લો તેમનો ગઢ હતો. તેમની દુન્યવી અલગતાનું કારણ તેમની માતા, ભાઈ અને તેમની સાવકી માતા વિનતા અને ગરુડ હતાં, જેઓ પરસ્પર દ્વેષ ધરાવતા હતા. તેમણે પોતાની કપટી માતા અને ભાઈઓને છોડીને ગંધમાદન પર્વત પર તપસ્યા કરવાનું શ્રેષ્ઠ માન્યું. બ્રહ્માએ પ્રસન્ન થઈને એને વરદાન આપ્યું અને તેમને પાતાળલોકના રાજા બનાવ્યા. શેષનાગ પૃથ્વીની નીચે એટલે કે પાતાળમાં ગયા એટલે તેમના સ્થાને તેમના નાના ભાઈ વાસુકિને તાજ પહેરાવવામાં આવ્યો.

2. વાસુકિઃ

શેષનાગના ભાઈ વાસુકિ ભગવાન શિવના સેવક હતા. સર્પોના બીજા રાજા વાસુકિનો પ્રદેશ કૈલાસ પર્વતની આસપાસનો વિસ્તાર હતો. પુરાણો અનુસાર વાસુકિ નાગનું ખૂબ જ વિશાળ અને લાંબું શરીર માનવામાં આવે છે. સમુદ્રમંથન દરમિયાન દેવતાઓ અને દાનવોએ મંદરાચલ પર્વતનો મંથન તરીકે અને વાસુકિનો નેતિ (દોરડા) તરીકે ઉપયોગ કર્યો હતો. ત્રિપુરાદહ સમયે એ શિવના ધનુષ્યનો તાર બની ગયા હતા.

વાસુકિ જાણતા હતા કે, ભવિષ્યમાં નાગકુળનો નાશ થશે. આવી સ્થિતિમાં નાગવંશને બચાવવા માટે તેમણે તેમની બહેનના લગ્ન જરત્કરુ સાથે કરાવ્યા. તેમનો દીકરો જ નાગવંશને બચાવી શકે તેમ હતો. જરત્કરુના પુત્ર આસ્તિકે જન્મેજયના નાગયજ્ઞ દરમિયાન સાપનું રક્ષણ કર્યું હતું.

3. તક્ષકઃ

કદ્રુના પુત્ર તક્ષક, આઠ મુખ્ય સર્પોમાંના એક છે અને એ પણ પાતાળલોકમાં રહે છે. પશ્ચિમી ઈતિહાસકારોના મતે તક્ષક નામની એક જાતિ હતી, જેની જાતિનું પ્રતીક સાપ હતું. રાજા પરીક્ષિત સાથે તેનું ભયંકર યુદ્ધ થયું. જેમાં પરીક્ષિતનું મોત થયું હતું. ત્યારે તેમના દીકરા જન્મેજયે તક્ષકો સાથે યુદ્ધ કર્યું અને એમને હરાવ્યા. જોકે પુરાણકારોએ સાપના ઈતિહાસને એક દંતકથા કહી હતી.

શમિક મુનિના શ્રાપના આધારે તક્ષકે રાજા પરીક્ષિતને ડંખ માર્યો હતો. એ પછી રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજયે સાપની જાતિનો નાશ કરવા માટે સર્પ યજ્ઞ કર્યો. તક્ષશિલામાં તક્ષકનું શાસન હતું. સમુદ્રની અંદર તક્ષક નામનો સાપ જોવા મળે છે, જેની લંબાઈ લગભગ 22 ફૂટ છે અને એ એટલી ઝડપી ગતિએ ફરે છે કે એને કેમેરામાં કેદ કરવો મુશ્કેલ છે. આ સૌથી ભયંકર સાપ છે.

4. કર્કોટકઃ

કર્કોટક અને ઐરાવત નાગકુળનો વિસ્તાર પંજાબની ઈરાવતી નદીની આસપાસનો માનવામાં આવે છે. કર્કોટક શિવના ગણના સભ્ય અને સર્પોના રાજા હતા. મહાભારતના 'નલોપાખ્યાન' (નળ-દમયંતીની વાર્તા) મુજબ જ્યારે રાજા નળ જંગલમાં ભટકી રહ્યા હતા, ત્યારે તેમણે કર્કોટક નાગને દાવાનળમાંથી બચાવ્યા હતા. કર્કોટક નારદ મુનિના શ્રાપના કારણે આગમાં પડી ગયા હતા. જોકે, કર્કોટકે રાજા નળને ડંખ માર્યો હતો, જેના કારણે નળનો રૂપાળો ચહેરો કાળો અને કદરૂપો થઈ ગયો હતો. પરંતુ, આ ડંખ વાસ્તવમાં એક વરદાન હતું- તેનાથી નળની અંદર રહેલા કલિપુરુષ (કલિયુગ)ને પીડા થવા લાગી અને નળને શનિ/કલિના પ્રભાવથી રક્ષણ મળ્યું. સાથે જ કર્કોટકે નળને એક દિવ્ય વસ્ત્ર આપ્યું હતું, જે પહેરવાથી તેઓ ફરી પોતાના મૂળ સુંદર રૂપમાં આવી શકતા હતા.

કર્કોટકે ઉજ્જૈનમાં ભગવાન શિવ માટે કઠોર તપસ્યા કરી. ચૌબીસ ખાંભા દેવી પાસેના કોટ વિસ્તારમાં કર્કોટેશ્વરનું એક પ્રાચીન ઉપેક્ષિત મંદિર હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. જોકે હાલમાં કર્કોટેશ્વર મંદિર માતા હરસિદ્ધિના પ્રાંગણમાં છે.

5. પદ્મઃ

ગોમતી નદીની નજીક નેમિશ નામના વિસ્તાર પર પદ્મ સર્પોનું શાસન હતું. બાદમાં તેઓ મણિપુરમાં સ્થાયી થયા. આસામના નાગવંશીઓ તેમના વંશમાંથી હોવાની માન્યતા છે. અગ્નિપુરાણમાં 80 પ્રકારના નાગ કુળનું વર્ણન છે, જેમાં વાસુકિ, તક્ષક, પદ્મ, મહાપદ્મ પ્રસિદ્ધ છે. અનાદિ કાળથી દેવી-દેવતાઓની સાથે સાપના અસ્તિત્વનું વર્ણન કરવામાં આવ્યું છે.