ઉત્સવ@ગુજરાત: ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે, પ્રતિ કલાક 5 કિ.મીની ઝડપ હોય એટલે પતંગ સડસડાટ ચગી જાય
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરાયણના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પતંગરસિયાઓએ ચિંતા કરવાની જરુર નથી. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે. જાણકારોના મતે સામાન્ય પતંગ ચગાવવા માટે પ્રતિકલાક 5 કિમીની ઝડપે ફૂંકાતા પવનની જરુરિયાત રહે છે.હવામાન નિષ્ણાત અંકિત પટેલ સાથે વાત કરી હતી અને ઉત્તરાયણના પર્વ પર રાજ્યના મહત્વના શહેરોમાં સવારથી સાંજ સુધી પવનની ગતિ કેવી રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ઉત્તરાયણના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે પતંગરસિકો માટે આનંદના સમાચાર એ છ કે, આ વર્ષે પતંગ ચગાવવા માટે વધુ ઠુમકા લગાવવા નહીં પડે. રાજ્યમાં પવનની ગતિ સામાન્ય અને પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા મુજબ સામાન્ય પતંગ ચગાવવા માટે પવનની ગતિ પ્રતિકલાક 5 કિમીની હોવી જરુરી છે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે મોટાભાગના શહેરોમાં પવનની ગતિ 5 કિમી કે તેનાથી વધુ રહેવાની શક્યતા હોય પતંગબાજોએ પતંગ ચગાવવામાં તકલીફ નહીં પડે.
અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી પવનની ગતિ 7 કિમીથી લઈ 10 કિમીની રહેશે. એટલે કે દિવસ દરમિયાન સામાન્ય પતંગ ચગાવવા માટે પતંગરસિકોએ નિરાશ થવું નહીં પડે.
સુરતમાં સવારથી સાંજ સુધી પ્રતિ કલાક 11 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે.vઆ ઉત્તરાયણે સુરતીઓને પવનનો પૂરતો સાથ મળશે. સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાક 11 કિમી થી લઈ 15 કિમી સુધી રહેવાની શક્યતા છે. એટલે કે, દિવસ દરમિયાન પતંગરસિકો ક્યારેય પણ નિરાશ થાય તેવી સ્થિતિ નથી.
વડોદરા શહેરમાં સવારના સમયે પવનની ગતિ થોડી ધીમી રહેશે. પરંતુ, 9 વાગ્યા બાદ સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ પ્રતિ કલાક 8 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે સામાન્ય સાઈઝની પતંગ ચગાવનારા પતંગબાજાનો મુશ્કેલી પડશે નહીં.
રાજકોટ શહેરની વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે પતંગરસિકો આસાનીથી પતંગ ચગાવી શકે એટલી પવનની ગતિ રહેશે. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી પવનની ગતિ પ્રતિ કલાક 10 કિમી કે તેનાથી વધુ રહેવાની શક્યતા છે.
જૂનાગઢ શહેરમાં સવારથી જ પવનની ગતિ પ્રતિ કલાક 9 કિમી આસપાસ રહેશે. જેમાં બપોર થતા વધારો થશે. સાંજ સુધી પતંગ ચગાવવા માટે વાતાવરણ અનુકૂળ રહેવાની શક્યતા છે.
ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે દિવસભર પતંગ ચગાવવા માટે અનુકૂળ પવન રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ સવારથી જ શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાક 11 કિમી આસપાસ રહેશે.

