ઉત્સવ@ગુજરાત: જર્મન AC ડોમમાં યશવી નવરાત્રી, ખેલૈયાઓ માટે 1 કરોડના ઇનામો

22મીએ દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતના ખેલૈયાઓ માટે આ વર્ષની નવરાત્રી યાદગાર અને ઐતિહાસિક બની રહેશે. સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા 10 દિવસીય ભવ્ય ગરબા મહોત્સવ યશવી નવરાત્રી 3.0નું સુરતમાં શાનદાર આયોજન કરાયું છે. 700x200 ફૂટના વિશાળ જર્મન એસી ડોમમાં આયોજિત થનારા આ મહાઉત્સવમાં રોજેરોજ 10થી 12 હજાર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે. ખેલૈયાઓના ઉત્સાહને વધારવા માટે આયોજકોએ કુલ રૂ. 1 કરોડના આકર્ષક ઇનામોની જાહેરાત કરી છે.

આ મહોત્સવમાં સંગીત અને સૂરોનો અનોખો સંગમ જોવા મળશે. સમગ્ર 10 દિવસ જાણીતા ગાયિકા પૂર્વા મંત્રી ખેલૈયાઓને ડોલાવશે, જ્યારે 22 તારીખે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના સુરીલા અવાજથી સુરતીઓને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત, દરરોજ 55થી વધુ સિઝન્ડ આર્ટિસ્ટો અને ધમધમતા પુનેરી ઢોલના તાલ સાથે ગ્રાઉન્ડ પર ઊર્જાવાન માહોલ ઊભો કરવામાં આવશે.

ખેલૈયાઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ઉત્કૃષ્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ 'SHE Team' સતત મોનિટરિંગ કરશે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે મેડિકલ સ્ટાફ, આધુનિક સાધનોથી સજ્જ એમ્બ્યુલન્સ અને ફાયર સેફ્ટીની ટીમ ઉપસ્થિત રહેશે.

ખેલૈયાઓ માટે વિશાળ પાર્કિંગ ઉપરાંત, રમત દરમિયાન ડ્રેસ કે લુકમાં કોઈ ખામી ન સર્જાય તે માટે ઓન-ધ-સ્પોટ મેકઅપ અને ટેઈલરિંગ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવાશે. આ સાથે જ જો કોઈને પણ હાર્ટ એટેક આવે તો સ્ટાફને સીપીઆર અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

ગરબે ઘૂમ્યા બાદ સ્વાદના શોખીન સુરતીઓ માટે 40 જેટલા વિવિધ ફૂડ સ્ટોલ્સનું આયોજન કરાયું છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, આ આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી પરંતુ તેની સાથે સેવાનો ઉમદા સંકલ્પ જોડવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, દરેક પાસના વેચાણ સાથે સેવાનો અંશ સંકળાયેલો છે, જેથી ખેલૈયાઓનો એક પાસ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશાનું કિરણ બની શકશે. ભક્તિ, ગરબા અને સેવાનો આ અદભુત સમન્વય સુરતીઓ માટે અવિસ્મરણીય બની રહેશે.