ઉત્સવ@પોરબંદર: ભાઈઓ અને બહેનો પરંપરાગત વેશભૂષા અને 25 તોલા સોનાના દાગીનાથી સજ્જ થઈને રાસ રમ્યા

બુંગીયા ઢોલ અને વિજયોત્સવનો ઐતિહાસિક વારસો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજના આધુનિક યુગમાં અને વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવ હેઠળ જ્યારે યુવા પેઢી ગુજરાતની પ્રાચીન પરંપરાઓ અને ગરબાની મૂળ શૈલી વિસરી રહી છે, ત્યારે સુદામાપુરી પોરબંદરમાં મહેર સમાજે પોતાની ભાતીગળ સંસ્કૃતિ અને પ્રાચીન મણિયારા રાસની પરંપરાને અક્ષુણ્ણ રાખી છે.

નવરાત્રિના પાવન પર્વે પોરબંદરમાં મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત રાસ-ગરબામાં મહેર જ્ઞાતિના હજારો ભાઈઓ અને બહેનો પરંપરાગત વેશભૂષા અને 25 તોલા સોનાના દાગીનાથી સજ્જ થઈને રાસની રમઝટ બોલાવતા નજરે પડે છે.

મહેર સમાજ મૂળ ક્ષત્રિય જ્ઞાતિ છે. પ્રાચીન સમયમાં વતન માટે લડાયેલા યુદ્ધોમાં વિજય પ્રાપ્ત થયા બાદ ‘બુંગીયો ઢોલ’ વગાડીને જે વિજયોત્સવ મનાવવામાં આવતો, તેમાંથી આ મણિયારા રાસની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. આજે પણ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રિ જેવા તહેવારો પર મહેર સમાજ આ રાસ રમે છે.

નવરાત્રિના પાંચમાં નોરતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં 10 થી 12 હજાર ભાઈઓ-બહેનો એક જ ગ્રાઉન્ડમાં એકસાથે પરંપરાગત સ્ટેપ્સ સાથે રાસ રમી પોતાની સંસ્કૃતિની ભવ્ય ઝલક રજૂ કરે છે.

આજના સમયમાં જ્યાં સોનાના આસમાને પહોંચેલા ભાવ સાંભળીને લોકો ઘરેણાં ખરીદવાનું કે પહેરીને બહાર નીકળવાનું ટાળે છે, ત્યાં મહેર સમાજની મહિલાઓ કોઈપણ પ્રકારના ભય વગર પૂરા જોશ અને ઉત્સાહ સાથે 20 થી 25 તોલા સોનાના દાગીના પહેરીને રાસ રમે છે. મહિલાઓનો આ શૃંગાર અને લાખો રૂપિયાનું સોનું ગરબા ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

પોરબંદરનો આ મણિયારો રાસ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશ અને રાષ્ટ્રીય કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે.

મહેર સમાજનો વિશિષ્ટ ભાતીગળ પોશાક

પુરુષોનો પોશાક: આંગણી, ચોયણી, માથે પરંપરાગત પાઘડી અને ખભા પર ખેસ.

મહિલાઓનો પોશાક: ઢારવો, કાપડું, ઓઢણી.

મહિલાઓના સોનાના દાગીના: ડોકમાં સોનાનો હાર (જુમણું) અને કાનમાં વેઢલા.

વેસ્ટર્ન મ્યુઝિક અને ડીજેના ઘોંઘાટ વચ્ચે પોરબંદરના આંગણે મહેર સમાજના ભાઈઓ-બહેનો દ્વારા રમાતો આ રાસ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ગમે તેટલો આધુનિક યુગ આવે, પણ ગુજરાતની ભાતીગળ પરંપરાઓ આજે પણ મહેર સમાજના દિલમાં જીવંત છે.