તહેવાર@સુરત: ગરબા આયોજનનો સૌથી મોટો 100 કરોડનો વીમો, જાણો વધુ વિગતે

6 આયોજકે 250 કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ લીધો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાં નવરાત્રિ મહોત્સવને લઈને આયોજકોએ સુરક્ષા અને જોખમ વ્યવસ્થાપન માટે અધધ કરોડો રૂપિયાના વીમા કવચ લીધા છે. શહેરના 6 મોટા નવરાત્રિ આયોજકોએ ભેગા મળીને 250 કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ ઉતરાવ્યો છે. જેમાં એક આયોજકનો વીમો તો એકલા હાથે 100 કરોડથી પણ વધુનો છે.

આયોજનના કદ મુજબ 10 કરોડ, 25 કરોડ, 50 કરોડથી લઈને 100 કરોડ સુધીની વિવિધ વીમા પોલિસીઓ લીધી છે, જેથી ઇવેન્ટ દરમિયાન આગ, અકસ્માત કે કોઈ અનિચ્છનીય ઘટના બને અથવા તો સંપત્તિને મોટું નુકસાન પહોંચે ત્યારે આર્થિક રક્ષણ મળી રહે.

આ કરોડો રૂપિયાના વીમામાં આયોજન સ્થળે ઉપસ્થિત તમામ ખેલૈયાઓ અને મુલાકાતીઓને આવરી લેવામાં આવ્યા છે. જોકે, આ વર્ષની પોલિસીઓમાં એક મહત્વનો બદલાવ જોવા મળ્યો છે; હવામાન વિભાગની વરસાદની આગાહી અને અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓ દ્વારા વરસાદના જોખમને આ પોલિસીમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યું છે. આમ, કુદરતી વરસાદી વિક્ષેપ સિવાયની તમામ માનવીય અને ભૌતિક દુર્ઘટનાઓ સામે ખેલૈયાઓ તેમજ આયોજકોને સંપૂર્ણ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

તોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જિગ્નેશ માધવાનીએ કહ્યું કે, આ વર્ષે નવરાત્રી માટે આયોજકોમાં ઇન્સ્યોરન્સને લઈને ગત વર્ષ કરતાં ઘણી મોટી ગંભીરતા જોવા મળી રહી છે. તેઓ માત્ર ફાયર ઇન્સ્યોરન્સ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ ખેલૈયાઓની સુરક્ષા તેમજ પોતાની લાયબિલિટી માટે પણ મોટા પાયે વીમો લઈ રહ્યા છે.

'આયોજકોએ સંભવિત જોખમોને આવરી લેવા માટે વિવિધ પ્રકારના ઇન્સ્યોરન્સ લીધા છે. અત્યાર સુધીમાં તેમની પાસે કુલ છ મોટા આયોજકોએ ઇન્સ્યોરન્સ કરાવ્યો છે. જેમાં ગ્લોબલ ગરબા વિલેજ, સુવર્ણ, વાયપીડી જેવા મોટા પાયા પર થતા આયોજનો તેમજ અડાજણ અને લિંબાયત વિસ્તારમાં યોજાતા ગરબાના આયોજકોનો સમાવેશ થાય છે.'

સુરતમાં આ વર્ષે નવરાત્રીમાં જે પ્રકારના સ્ટેજ અને ભવ્ય સેટઅપ તૈયાર થઈ રહ્યા છે, તે સુરત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' સમાન છે. આયોજકોએ જે મોટા પાયે આર્થિક રોકાણ અને તૈયારીઓ કરી છે, તે જોતાં ભવિષ્યમાં પણ કદાચ આટલું ભવ્ય આયોજન ભાગ્યે જ જોવા મળે તેવો માહોલ સર્જાયો છે. સૌથી મોટા આયોજનોમાં વી.આર. મોલની સામે યોજાનાર ‘સુવર્ણ’, એક્સીલેન્સિયા સામે આવેલું ‘ગ્લોબલ વિલેજ’ તેમજ ‘વાયપીડી’ ખાતે યોજાનારા ગરબા મહોત્સવનો સમાવેશ થાય છે.

માધવાનીએ કહ્યું કે, ઉત્સવો પાછળ વધતો ખર્ચ, મજબૂત બનતા સરકારી નિયમો, ખેલૈયાઓની સલામતી તેમજ કોઈ અણધારી પરિસ્થિતિ કે નુકસાન સામે સુરક્ષા મળી રહે તે માટે આયોજકો દ્વારા ઇવેન્ટ કેન્સલેશન સહિતના મોટા વીમા કવચ લેવાયા છે. સુવર્ણ, ગ્લોબલ ગરબા અને વાયપીડી જેવા અગ્રણી આયોજકોએ આશરે 50થી 100 કરોડ સુધીના વ્યક્તિગત વીમા માટે અરજી કરી છે. સમગ્ર આયોજકોના કુલ વીમાની રકમ આશરે 225થી 250 કરોડ જેટલી થાય છે.

સુરતમાં આયોજિત નવરાત્રિ મહોત્સવ માટે આયોજકોએ 12 પ્રકારના સંભવિત જોખમો સામે સંપૂર્ણ વીમા કવરેજ મેળવ્યું છે, જેમાં આગ, ભૂકંપ જેવી કુદરતી આપદાઓ, ગરબા ગ્રાઉન્ડ પર ભાગદોડ, જાનહાનિ તેમજ રાજકીય અસ્થિરતા કે રાષ્ટ્રીય શોક જેવા અનિવાર્ય કારણોસર કાર્યક્રમ રદ થતાં પ્રતિદિન રૂ.20 લાખ સુધીના નુકસાનની ભરપાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખાદ્યપદાર્થોમાં ગડબડ કે અન્ય બેદરકારીના વિવાદોને પગલે થતા કાનૂની કેસ, વકીલની ફી અને વળતરથી બચવા આયોજકોએ થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ પણ લીધો છે.

વરસાદની આગાહીના સમયે ટૂંકા સમયગાળા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ પોલિસી ન આપતી હોવા છતાં, સુરતના આયોજકો દ્વારા ખેલૈયાઓની સુવિધા માટે વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ ડોમ તેમજ ટેન્ટની વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોનું કહેવું છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષથી નવરાત્રિ દરમિયાન વરસાદ પડતો હોવા છતાં આયોજનો સફળ રહ્યા છે, તેથી વરસાદની આગાહીથી કોઈ મોટો ફર્ક નહીં પડે અને ખેલૈયાઓ ઘરેથી ગ્રાઉન્ડ સુધી પહોંચીને હંમેશ મુજબ ધામધૂમથી નવરાત્રિ રમી શકશે.