ઉત્સવ@વડનગર: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કાર્યક્રમ યોજાયો, 15 દેશોના 100થી વધુ પતંગબાજોએ ભાગ લીઘો

વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇનના પતંગોથી આકાશ રંગાયું
 
ઉત્સવ@વડનગર: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ કાર્યક્રમ યોજાયો, 15 દેશોના 100થી વધુ પતંગબાજોએ ભાગ લીઘો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો.15 દેશના 100થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો. મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. પતંગબાજોના વિવિધ આકારની રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે.

આ પ્રસંગે સંબોધન કરતા જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉત્તરાયણ એટલે માત્ર પતંગબાજી નહીં, પણ આશા, ઉત્સાહ અને પ્રગતિનું પર્વ છે. સૂર્યનારાયણ જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે અંધકારથી પ્રકાશ તરફની ગતિનું પ્રતીક બને છે. આપણી સંસ્કૃતિમાં આ પર્વ દાન, પુણ્ય અને સ્નેહનું પ્રતીક છે. આપણી આ સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

વધુમાં મંત્રીએ વડનગર શહેરની વિરાસત અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વડનગર એટલે માત્ર એક શહેર નથી, પણ હજારો વર્ષોના ઈતિહાસની સાક્ષી છે. આજે વડનગર પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વનું કેન્દ્ર બન્યું છે. વડનગરમાં આર્કિયોલોજિકલ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ, કીર્તિ તોરણ જેવા મહત્વના સ્થળો જોવા પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે આજે જ્યારે વિદેશી પતંગબાજો અહીં આવ્યા છે, તેઓ આપણી વિરાસત જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

આજે અહીં વડનગરમાં યુ.કે., વિયેતનામ, રશિયા, ફ્રાન્સ, આર્જેન્ટિના અને ઇન્ડોનેશિયા જેવા 15 જેટલા દેશોના 100 થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગબાજો ઉપસ્થિત છે. આ મહોત્સવ દ્વારા ગુજરાત ટૂરિઝમ આપણી સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર લઈ જઈ રહ્યું છે. આ તકે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ પણ પતંગબાજો સાથે પતંગ ઉડાવી પતંગોત્સવમાં સહભાગી થયા હતા.

આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા. આ પતંગોત્સવમાં યુ.કે., વિયેતનામ, ટ્યુનિશિયા, રશિયા, ફિલીપીન્સ, મોરેશિયસ, મલેશિયા, કોરિયા, જોર્ડન, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ફ્રાન્સ, આર્જેન્ટિના, કંબોડિયા અને અલ્જીરીયા દેશના 100 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ, ઉત્સાહ અને રોમાંચ આપ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિને વિદેશી કાઈટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી.