અગ્નિકાંડ@રાજકોટ: ગેમ ઝોનનો 'લ્હાવો' લેનાર અધિકારીઓએ શું કહ્યું ?, જાણો વધુ વિગતે

અમે ત્યાં જઈને કોઈ ભૂલ નથી કરી'

 
અગ્નિકાંડ@રાજકોટ: ગેમ ઝોનનો 'લ્હાવો' લેનાર અધિકારીઓએ શું કહ્યું ?, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાંથી હૃદય કંપાવી ઉઠે એવી ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 28 લોકોના મોત નીપજ્યા છે. તેમની ઓળખ પણ કરી શકાતી નથી. જે ગેમ ઝોનમાં આ આગ લાગી હતી તેની પાસે કોઈ મંજૂરી ન હોવાનું બહાર આવ્યું છે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં ત્રણ માળનો શેડ ઉભો કરી ગેમિંગ ઝોન બનાવી દેવાયું હતું. કાગળ પર તો એવું જ લાગી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકા આ બાબતે અંધારામાં હતી. પણ દિવ્ય ભાસ્કરને એક તસવીર હાથ લાગી છે જેમાં રાજકોટ પોલીસ, મહાનગરપાલિકા સહિત આખા તંત્રની પોલ ખુલ્લી ગઈ છે.

એક તસ્વીર હાથ લાગી છે. રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ મહેશ બાબુ, એસ પી બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, ડીસીપી ઝોન-1 પ્રવીણ મીણા સહિતના અધિકારીઓ જોવા મળી રહ્યા છે. તસવીરમાં ગેમ ઝોનના ગોકાર્ટની મોજ માણી હતી. એટલું જ નહીં ટીઆરપી ગેમ ઝોનના કર્તાધર્તાઓએ અધિકારીઓ સાહેબોને બૂકે આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજકોટના લોકોની શાંતિ, સલામતી, સુરક્ષા અને વ્યવસ્થા જેમના માથે છે એ અધિકારીઓના ચહેરા પરના ભાવ ઘણું બધું કહી જાય છે.


આ તસવીરને જોતા દરેક સંવેદનશીલ નાગરિકના મનમાં પ્રશ્નો તો ઉઠશે જ કે શું તપાસ સમિતિ આ અધિકારીઓને પણ ગેમ ઝોનની પરવાનગી આપવા બાબતે સવાલ કરશે? જ્યારે આ અધિકારીઓ મોજ માણવા માટે અને મહેમાનગતિએ ગેમ ઝોનમાં પધાર્યા ત્યારે તેમના મનમાં સવાલ નહીં ઉઠ્યો હોય કે આ પરવાનગી ક્યારે અપાઈ?

આ તસવીર બાબતે અધિકારીઓને સવાલ કર્યા હતા. જેમાં તત્કાલીન કલેક્ટર અરૂણ મહેશ બાબુ અને તત્કાલીન જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ સ્પષ્ટતા આપી છે. જ્યારે રાજકોટના તત્કાલીન મનપા કમિશનર અમિત અરોરાનો ફોન સ્વિચઓફ આવતો હોવાથી સંપર્ક થઈ શક્યો નહતો.


આ અંગે તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કદાચ આ બે વર્ષ પહેલાંની વાત હશે. હું એ સમયે કદાચ હું બાળકોને લઇને ત્યાં ગયો હોઇશ, ત્યાં ફાયરનું NOC હતું કે નહીં તે મને નથી ખબર, એ સમયે બાળકો રમવા ગયા હશે તો તેમની સાથે હું, મ્યુનિસિપલ કમિશનર, ડીસીપી સાંજે ગયા હોઇશું. એ સમયે પરમિશન ક્યારે લેવાઇ હતી તેની તો મને જાણ નથી. પરમિશનમાં કલેક્ટરનો કોઇ રોલ હોતો નથી. બાળકો સાથે પેરેન્ટસ તરીકે અમે ગયા હતા, અમારે ટીઆરપી સાથે કોઇ લેવા દેવા નથી. ત્યાં જઇને કોઇ ભૂલ તો નથી કરી.


આ અંગે રાજકોટના તત્કાલીન એસપી બલરામ મીણા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે હું ગયો હોઈ શકું છું. હું કોઈને કોઈને મળતો હોવ છું. બરોબર યાદ નથી. એ વખતે ગેમ ઝોન પાસે ફાયર સહિતની પરમીશન હતી કે કેમ એ અંગેના સવાલમાં તેમણે કહ્યું, તમે કોઈ હોટેલમાં જાવ તો તો બધી વસ્તુઓ ચેક કરો છો? કોઈએ ફંક્શનમાં બોલાવ્યા હોય અને ત્યાં જઈને ડીનર કરવાનું હોય તો આવી વસ્તુઓ કોણ પૂછે?

રાજકોટ અગ્નિકાંડમાં તંત્રની મીઠી નજર હોવાનો આરોપ ખુદ કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાએ લગાવ્યો છે. તેમણે ભાજપ સંચાલિત મહાનગર પાલિકાને જ આ આગકાંડ માટે જવાબદાર ગણાવી છે. ઉપરાંત તેમણે તો એવું પણ કહ્યું કે જે લોકો મંજૂરી આપતા હોય છે તેમની જ મીઠી નજર આવા ગેરકાયદે ગેમ ઝોન ચાલતા હોય છે. તેમણે કહ્યું કે, કોર્પોરેશને જેટલી સજાગતા રાખવી જોઇએ તેનો અભાવ છે એટલે આ ઘટનામાં કોર્પોરેશન પણ જવાબદાર છે જ. જે લોકો પરવાનગી આપતા હોય તેની જ મીઠી નજર હોય.


ગેમ ઝોન માટેની મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશને આપવાની હોય છે. આ જ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સંભાળતા હતા તે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા પણ આ ગેમ ઝોનની મુલાકાત લઇ ચૂક્યા છે. દિવ્ય ભાસ્કરને એક તસવીર મળી છે. જેમાં જોવા મળે છે કે, રાજકોટ શહેર અને જિલ્લો જેમના ભરોસે હતો તેવા ઉચ્ચ સનદી અધિકારીઓ તત્કાલિન કલેક્ટર અરુણ મહેશ બાબુ, તત્કાલિન એસપી બલરામ મીણા, તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા,DCP ઝોન-1 પ્રવીણ મીણા સહિતના અધિકારીઓએ વર્ષ 2022માં ટીઆરપી ગેમ ઝોનની મુલાકાત લીધી હતી.