દુર્ઘટના@સુરત: શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળ આગ ફાટી નીકળી, 17 દુકાનો બળીને ખાખ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે.સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ ફાટી નીકળી હતી. માર્કેટના છઠ્ઠા માળેથી શરૂ થયેલી આગ જોતજોતામાં પાંચમા અને ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગે તાત્કાલિક 'બ્રિગેડ કોલ' જાહેર કરી શહેરભરમાંથી ફાયર ફાઈટરોને રવાના કર્યા હતા. રાતે 12 વાગ્યાથી સવારે 8.30 વાગ્યા સુધી આગ ભભૂકી હતી, ત્યારબાદ 8 કલાકની મહેનતે મહદઅંશે કાબુમાં આવી હતી. એક ફાયરજવાનની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો.
વેપારી અનુપ જલને જણાવ્યું હતું કે, માર્કેટના છઠ્ઠા માળે આવેલી દુકાનોની બહાર રાખેલા સિન્થેટિક માલના જથ્થાએ આગ પકડી લેતાં તે ક્ષણભરમાં વિકરાળ બની બંને તરફની દુકાનોમાં પ્રસરી ગઈ હતી. મારી સહિત અન્ય વેપારીઓની અંદાજે 15થી 17 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હોવા છતાં આગળ-પાછળ ઝડપથી ફેલાયેલી આગના કારણે પેક કરાયેલા સેંકડો પાર્સલ અને તૈયાર માલ બળીને રાખ થયા છે.
તહેવારોની સીઝન પૂરજોશમાં ચાલી રહી હોવાથી મોટા પાયે સ્ટોક તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ દુર્ઘટનાએ વેપારીઓની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું છે. આગની તીવ્રતા, ધુમાડા અને બચાવ કામગીરી દરમિયાન છંટાયેલા પાણીના કારણે માલસામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. માર્કેટના નિયમ મુજબ રાત્રે તમામ દુકાનોના મુખ્ય વીજ કનેક્શન બંધ કરી દેવાતા હોવા છતાં, બંધ માર્કેટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે. હાલ આગ પાછળનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ફાયર કંટ્રોલ રૂમને રાત્રે 12:12 વાગ્યે શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પ્રારંભિક તબક્કે 5થી 6 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. જોકે, સ્થળ પર પહોંચતાં જ 5મા અને 6ઠ્ઠા માળે આગની જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. 15થી વધુ ફાયર ટેન્ડર અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટે વપરાતી ટર્ન ટેબલ લેડર મારફતે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં સવારે 9 વાગ્યે આગને કાબુમાં લેવાઈ હતી.
માર્કેટ ચારેય તરફથી બંધ હોવાને કારણે અંદર ધુમાડો ભરાઈ ગયો હતો. સૌથી મોટી મુશ્કેલી એ ઊભી થઈ છે કે માર્કેટના પેસેજમાં ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા કાપડના જથ્થામાં આગ પકડાઈ ગઈ હતી. પેસેજ બ્લોક હોવાથી ફાયર વિભાગના જવાનોને અંદર પ્રવેશવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સલામતીના ભાગરૂપે અને શોર્ટ સર્કિટથી આગ વધુ ન ભડકે તે માટે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો.
સુરત મનપાના ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે, 150 જેટલા ફાયર જવાનોએ ઉપલબ્ધ તમામ સાધન-સામગ્રી સાથે સતત પ્રયાસો કરીને આખરે આગને નિયંત્રણમાં લીધી છે. આ બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટીની એન.ઓ.સી. રિન્યુ થયેલી હતી અને પ્રાથમિક તબક્કે ફાયર સિસ્ટમે રિસ્પોન્ડ પણ કર્યું હતું. માર્કેટમાં કાચની બારીઓ હોવા છતાં, ધુમાડાના યોગ્ય નિકાલ માટે નિયમ મુજબ ઓપનેબલ વેન્ટિલેશન અને કોમન પેસેજમાં સરળ એક્સેસ હોવો અત્યંત જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાગરિકો અને વેપારીઓની સલામતીને સર્વોપરી રાખીને હાલ પૂરતું આ સમગ્ર બિલ્ડિંગને સદંતર બંધ કરવામાં આવશે. આ બિલ્ડિંગનું સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ ઓડિટ તેમજ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ઓડિટ કરાવવામાં આવશે અને ફાયર સેફ્ટી સિસ્ટમ પુનઃ સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અને સંબંધિત જરૂરી બાંહેધરી મેળવ્યા પછી જ માર્કેટને ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવવા માટે 25 જેટલી ફાયર ફાઈટિંગ ગાડીઓ, ટર્નટેબલ લેડર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને અંદાજે 150 જેટલા ફાયર કર્મચારીઓ તથા અધિકારીઓ કામે લાગ્યા હતા. લગભગ 7થી 8 કલાકની ભારે જહેમત અને 10થી 12 લાખ લિટર પાણીના છંટકાવ બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.
અંદર સિન્થેટિક મટિરિયલનો જથ્થો હોવાથી તે પ્લાસ્ટિકની જેમ સળગતું હતું અને તેના લીધે અતિશય ધુમાડો ફેલાયો હતો. રાત્રિના સમયે વિઝિબિલિટી શૂન્ય હોવાથી શરૂઆતમાં અંદર પ્રવેશવું અશક્ય હતું, જેથી ફાયર ટીમે પહેલાં હાઈડ્રોલિક પ્લેટફોર્મ વડે બહારથી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ જવાનોએ બ્રીથિંગ એપેરેટસ સેટ, ફાયર સૂટ અને લાઈટ માસ્ટ સાથે અંદર પ્રવેશી આગ ઓલવી હતી. બિલ્ડિંગની ફાયર સેફ્ટી 7-8 મહિના પહેલાં જ રિન્યૂ થયેલી હતી, અને આગ સંપૂર્ણપણે શાંત થયા બાદ હાલ કૂલિંગ પ્રોસેસ ચાલુ રાખવામાં આવી છે.

