ધાર્મિક@ગુજરાત: શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ માસ વિશેષ, જાણો વધુ વિગતે

શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્ત્વ
 
ધાર્મિક@ગુજરાત: શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ માસ વિશેષ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે થોડાજ દિવસમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે. ભગવાન શિવની પૂજા, આરાધના કરવા માટે મહિનો સારો ગણાય છે. ગવાન શિવની આરાધનાના અતિઉત્તમ એવા પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ વખતનો શ્રાવણ માસ શિવભક્તો માટે વિશેષ બની રહેશે. અનેક વર્ષો બાદ આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવારની સાથે શુભારંભ પણ સોમવારે અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે. આટલું જ નહીં, પવિત્ર શ્રાવણ માસના મુખ્ય તહેવારો પણ સોમવારે જ આવે છે, એટલે આ વખતનો શ્રાવણ કંઈક અલગ જ વિશેષતા સભર રહેશે.


દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાતો હોય એવાં દૃશ્યો સર્જાય છે. શિવજીના પ્રિય પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો ભક્તિમાં લીન બની જાય છે. ભોળાનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે. શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ચાતુર્માસ પણ શરૂ થાય છે. ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે. જોકે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્ત્વ હોય છે.


ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે, એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં 15 દિવસ પહેલાં શરૂ થાય છે. આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે. શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે, કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે.


પ્રભાસ તીર્થના સોમપુરા તીર્થ પુરોહિત જયવર્ધન જાનીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પવિત્ર શ્રાવણ માસનું મહાત્મ્ય વર્ણવતાં જણાવ્યું હતું કે સનાતન હિન્દુધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે. શિવજીની આરાધના માટે પણ સોમવાર ખાસ મહત્ત્વપૂર્ણ ગણાય છે, જેના પગલે શિવભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની પૂજાઅર્ચના કરતા હોય છે. આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે, કારણ કે શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પૂરો થાય છે. એટલું જ નહીં, આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે. આ શ્રાવણ માસમાં રક્ષાબંધન પણ સોમવારે છે તો જન્માષ્ઠમી પણ સોમવારે છે.


શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે, તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે, પૂજા કરે છે અને ભગવાન સમક્ષ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે. દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્રમંથન થયું હતું, જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા. વિષપાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા. ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે. આ પૌરાણિક વાતોના મહત્ત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે.


શ્રાવણ મહિનામાં મા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને મા પાર્વતીને પોતાનાં પત્ની તરીકે સ્વીકાર્યાં. શ્રાવણ માસમાં શિવલિંગના જલાભિષેક અને રુદ્રાભિષેકનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં સોમવાર વ્રત, માસિક શિવરાત્રિ અને કંવરયાત્રાનું વિશેષ મહત્ત્વ છે.
ભગવાન શિવની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સત્ય-જ્ઞાન-અનંત અને સચ્ચિદાનંદરૂપે શિવતત્ત્વ પ્રસિદ્ધ છે. આકાશની માફક શિવતત્ત્વ સર્વ વ્યાપક છે. ભક્તિ બે પ્રકારની છે સગુણ તથા નિર્ગુણ. સદાશિવ-વિષ્ણુ-રૃદ્ર-બ્રહ્મા આમાં નિર્ગુણ કોણ? જે પરમાત્માથી અવતરેલા છે, જેને વેદાંતીઓ 'શિવ' તરીકે જાણે છે. આ શિવથી પુરુષ સહિત પ્રકૃતિ પ્રગટ થઈ. આમ, શિવજીનું મહત્ત્વ અનેરું છે.