આગાહી@ગુજરાત: રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા શહેરનું વાતાવરણ વિશે

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 19.42 ઇંચ વરસાદ નોંધાયો છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 19.42 ઇંચ વરસાદ નોંધાયો છે, જે કુલ મોસમનો 54.28% થાય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં સરેરાશ 5.50 મિમી વરસાદ પડ્યો છે. મુખ્યત્વે છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઇંચ, ડીસામાં 2.83 ઇંચ, વાવ-થરાદના રાહમાં 2.40 ઇંચ અને મહેસાણામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. વિભાગ વાઈઝ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.92%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.58%, સૌરાષ્ટ્રમાં 43.75%, ઉત્તર ગુજરાતમાં 41.25% અને કચ્છમાં 19.05% વરસાદ થયો છે.

આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લી બે કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં દોઢ ઇંચ ખાબક્યો છે. અમદાવાદમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ધંધુકા પંથકમાં એક ઇંચ તો ધોલેરા પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. સવારના સ્કૂલે-નોકરીએ જતાં લોકો માટે વરસાદ બાધારૂપ બન્યો હતો.

હવામાન વિભાગે આગામી 3 કલાક  માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલી, બોટાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આજે વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.