આગાહી@ગુજરાત: આજે કચ્છ-બનાસકાંઠા સહિત 4 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ર ધમાલ મચાવી છે. ઘણી જગ્યાએ પાક અને વીજ પુરવઠાને નુકસાન થયું છે. આજે કચ્છ-બનાસકાંઠા સહિત 4 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગતરોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે.
હવામાન વિભાગે આગામી 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને કચ્છ જિલ્લાઓમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસમાં દિવસનું મહત્તમ તાપમાન 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જેના કારણે ઉનાળાની તીવ્ર ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ શકે છે.
ગત બે દિવસમાં વરસાદ અને તીવ્ર પવનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, વૃક્ષો તૂટ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાના અહેવાલો પણ મળ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે નાગરિકોને આગામી દિવસોમાં પણ સાવચેત રહેવા અને હળવા વરસાદ તેમજ તીવ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતર્કતા રાખવાની સલાહ આપી છે.

