આગાહી@ગુજરાત: રાજ્યમાં 22મીથી આગામી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે રાજ્યમાં આજે 22મીથી આગામી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલમાર્ક લો-પ્રેશરની અસર જોવા મળશે. ત્યારે ઠંડા પવન સાથે વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે દાસના જણાવ્યા અનુસાર, અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર 3.1થી 7.6 કિમીની ઊંચાઈ પર બનેલી છે. રાજ્યમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી આવી રહ્યો છે. જ્યારે બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર એરિયા બનેલું છે, જે આગામી 24 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 23 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારે પહોંચશે.
હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક એ.ટી દેસાઈના જણાવ્યા મુજબ, ચોમાસાની વિદાઈની શરૂઆત કચ્છથી 20 સપ્ટેમ્બરથી જ થઇ જવી જોઈએ, પરંતુ હજી થઈ નથી. આગામી 5 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વિદાય થશે. અમદાવાદમાં 27મી સપ્ટેમ્બરના રોજ ચોમાસુ વિધિવત રીતે વિદાઈ લેશે.

