આગાહી@ગુજરાત: રાજ્યમાં 6 અને 7 એપ્રિલે અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

એપ્રિલથી તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
 
આગાહી@ગુજરાત: રાજ્યમાં 6 અને 7 એપ્રિલે અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. આગામી 6 અને 7 એપ્રિલે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે અને ત્યારબાદ 8 એપ્રિલથી તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ માછીમારોને 6 અને 7 એપ્રિલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હવામાનમાં ફરી એકવાર પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા 7 એપ્રિલે દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળતો હતો. પરંતુ કમોસમી વરસાદથી તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે.

6 અને 7 એપ્રિલ દરમિયાન પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર વધુ જોવા મળી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં ઊંચી તરંગો અને તેજ પવનને કારણે જોખમ વધવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી છે. જો કે ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહી છે. જેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળવાની છે. દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ થઈ શકે છે.