આગાહી@ગુજરાત: રાજ્યમાં પવન સાથે 24 કલાક ભારે વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ રાજ્યમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યભરમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હજુ પણ ગુજરાત માટે વરસાદી આફત લાવનારા રહેશે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હજુ આજે પણ રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે, જે ડીપ ડિપ્રેશન ગુજરાતને માથે સંકટ બનીને સક્રિય થયું હતું તે હાલમાં નલિયાથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશા તરફ સક્રિય છે. છેલ્લા ત્રણ કલાક દરમિયાન આ ડીપ ડિપ્રેશન ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેને કારણે હવે આ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત પ્રદેશમાં વરસાદની શક્યતા નહીંવત છે. પરંતુ આ સિવાયની અન્ય બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ વરસાદની સંભાવના છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. કારણ કે, આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી બે દિવસ દરમિયાન એટલે કે 30 અને 31 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે. આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતમાં જે વરસાદ વરસે રહ્યો છે તે ત્રણ સિસ્ટમને કારણે વરસી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ઓફ શોર ટ્રફ તથા ડીપ ડિપ્રેશન જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ ઉપર સક્રિય છે તેની સાથે મોન્સુન તરફ સંકળાયેલો છે. તેને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી શકે છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદની તીવ્રતાને લઈને આજે ગુજરાત રાજ્યમાં ત્રણ વિવિધ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ તથા અન્ય ભાગોમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સિવાયના ગુજરાત પ્રદેશ કહેવાતા એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે.
આ ઉપરાંત રાજ્યના બાકીના જિલ્લાઓમાં એટલે કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે વરસાદ દરમિયાન મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. હજુ આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેતા માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.