આગાહી@ગુજરાત: રાજ્યમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, કયા કયા વિસ્તારમાં પડશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ક્યાંક ભારે પવનને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય છે, તો ક્યાંક ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ ગઈકાલથી જ વરસાદની એન્ટ્રી થઈ છે અને આજે વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. આ ઉપરાંત હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં ક્યાંક ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, હજુ આગામી 48 કલાક દરમિયાન મેઘરાજા ગુજરાતને ઘમરોળી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યની આસપાસ હાલમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય છે. જેમાં એક મોનસુન ટ્રફ જે દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. તથા અન્ય એક સિસ્ટમ કે જે દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય છે. તેને કારણે આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કેટલાક જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. પરંતુ આવતીકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે. આવતીકાલે એટલે કે, 28 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં કે જ્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેવા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
રેડ એલર્ટ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
ઓરેન્જ એલર્ટ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર.
યલો એલર્ટ અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને બોટાદ.