આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
Sep 22, 2024, 18:27 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ભારે વરસાદ વરસી ચુક્યા બાદ કેટલાક દિવસથી મેઘરાજા વિરામ લઇ રહ્યા છે. રાજ્યમાં ફરી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે.
તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આજથી આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.