આગાહી@ગુજરાતઃ આજે આ વિસ્તારોમાં માવઠાની શક્યતા, 2 દિવસમાં ઠંડીનો ચમકારો વધશે
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 28 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ બુધવારથી લઘુતમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે. જેના કારણે ઠંડીનો અનુભવ થશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે 27 ડિસેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે. માવઠાની અસરને પગલે અનેક જિલ્લામાં આજથી વાદળછાયું વાતાવરણ થઇ જાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ બાદ માવઠાની અસર ઓછી થતાં રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. ત્યારબાદ ફરીથી ઠંડીનો ચમકારો થશે.


તાપમાનની વાત કરીએ તો, રવિવારે રાતે 12 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 13.5 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. આ સાથે નલિયામાં 13.6, ડીસામાં 14.4, વડોદરા-કંડલામાં 16, ભાવનગરમાં 16.6, સુરતમાં 16.8, રાજકોટમાં 17, ભૂજમાં 17.5, પોરબંદરમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો.