આગાહી@ગુજરાત: રાજ્યમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડશે ?

હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં વરસાદની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.  ગુજરાતમાં વિધિવત્ ચોમાસાનું આગમન થઈ ગયું છે. જોકે, હજુ સુધી ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી જ પહોંચ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. આજે સુરત, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક પાસે, માધાપર ચોકડી નજીક વરસાદ શરૂ થયો હતો. આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.


દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરતનું આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે જ વરસાદના પગલે નોકરી-ધંધે જતા લોકોને અટવાવાનો વારો આવ્યો હતો.


આજે બનાસકાંઠા ,ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવા માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


આવતીકાલે 15 જૂનના રોજ દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 16 જૂનના રોજ ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 18 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 19 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ 20 જૂનના રોજ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.