આગાહી@ગુજરાત: રાજ્યમાં 22થી 26 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક દિવસ વિરામ લીધા બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. પરંતુ ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાગોમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી ભારે વરસાદની સંભાવના છે. એટલે કે, રાજકોટમાં સૌથી પ્રખ્યાત અને ધામધૂમથી ઉજવાતા સાતમ-આઠમના તહેવારમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. કારણ કે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તથા હવામાન વિભાગ દ્વારા આગામી 24, 25 અને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


રાજકોટવાસીઓ માટે આ વર્ષના સાતમ-આઠમના તહેવારનો ઉત્સાહ વરસાદી પાણીમાં વહી જાય તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. કારણ કે, આજથી એટલે કે, 22 ઓગસ્ટથી રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લાઓમાં 9 ઇંચ કરતાં વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે.


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી એક સપ્તાહને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનાનું છેલ્લું સપ્તાહ એટલે કે, આજથી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. કારણ કે, ઘણાં વર્ષો પછી પ્રથમ વખત બન્યું છે કે, ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈને તેનું પરિણામ આપતી હોય છે. કારણ કે, અરબ સાગર અને બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય થયાં છે. અરબ સાગરમાં હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તથા બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાઇને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય અને બે વરસાદી સિસ્ટમનો લાભ મળશે અને ભારે વરસાદ વરસી શકે છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ અરબ સાગરમાં કેરળથી પશ્ચિમ દિશામાં એક લો પ્રેશર બન્યું હતું. જે ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં આવીને નબળું પડતા સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે આગળ વધીને ખંભાતના અખાત પાસે પહોંચ્યું છે. આથી આજથી એટલે કે, 22, 23 અને 24 ઓગસ્ટ એટલે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને ભાલ પ્રદેશ એટલે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ સહિતના વિસ્તારમાં તેની અસર વર્તાશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રના આ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અરબ સાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદનો લાભ મળશે.


બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હતું જે ધીમે ધીમે બંગાળની ખાડી તરફથી ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે. આ લો પ્રેશર 24 થી 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતથી નજીક આવશે એટલે કે, મધ્ય પ્રદેશના બોર્ડર વિસ્તારમાં આવેલા ગુજરાતના જિલ્લાઓ જેમ કે, દાહોદ, છોટાઉદેપુર જેવા જિલ્લામાં વરસાદની અસર રહેશે તથા અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે નબળું પડીને સિયર ઝોનમાં પરિવર્તિત થશે તથા શિયર ઝોન બંગાળની ખાડી તરફથી આવેલા લો પ્રેશર સાથે ભળી જશે. આ બંને સિસ્ટમ એકસાથે ભળી જવાથી મજબૂત વેલમાર્ક લો પ્રેસર સર્જાશે અને જો યોગ્ય હવામાન મળે તો આ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનની કેટેગરીમાં પણ જઈ શકે છે.


અરબ સાગર સક્રિય છે તેને કારણે રાજ્યના કેટલાક ભાગમાં 22, 23 અને 24 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમ સાથે ભળી ગયા બાદ મજબૂત સિસ્ટમ સક્રિય થતાં 24 અને 25 ઓગસ્ટ બાદ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડીને સિયર ઝોનમાં પરિવર્તિત થયા બાદ બંગાળની ખાડીનું લો પ્રેશર મર્જ થઈ ગયા બાદ ગુજરાત ઉપરથી આ વેલમાર્ક લો પ્રેસર પસાર થશે. જેને કારણે ગુજરાતના તમામ ભાગોમાં એટલે કે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ બંને સિસ્ટમને કારણે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સમગ્ર રાજ્યને સારા વરસાદનો લાભ થશે તથા કેટલાક ભાગોમાં 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થઈ શકે છે.


હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. જ્યારે આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


હાલ ઉત્તરપૂર્વીય અરબસાગર ઉપર જે સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેના કારણે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ મધ્ય અરબસાગરમાં એક લો પ્રેશર પણ સર્જાયું છે. જેની અસરને કારણે રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.


બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી