આગાહી@ગુજરાત: રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, કયા કયા વિસ્તારમાં પડશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે, તેને કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે (1 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદના ચાર દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજ્યના 11 જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, હાલમાં એક ડિપ્રેશન ઓરિસ્સાના દક્ષિણ ભાગમાં સક્રિય થયું છે, જે ધીમે-ધીમે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. હાલમાં તે ઉત્તર આંધ્ર પ્રદેશ તરફ સક્રિય થશે, જેને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 3 સપ્ટેમ્બરના રોજ છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન લાનીનોની અસરની સંભાવનાને પગલે સામાન્ય કરતા વધુ વરસાદ રહી શકે છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થવાની 66% સંભાવના હાલમાં જણાઈ રહી છે.
વધુમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગતરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતા ફક્ત દોઢ ડિગ્રી વધુ નોંધાયું હતું. એટલે કે, હાલમાં શહેરનું મહત્તમ તાપમાન સામાન્યથી નજીક છે. પરંતુ ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદી માહોલને કારણે શહેરનું મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોવાથી ફક્ત એક સપ્તાહમાં આઠ ડિગ્રી જેટલા તાપમાનમાં ઉછાળો આવ્યો છે.