આગાહી@ગુજરાત: રાજ્યના 16થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કોઈ જગ્યાએ ગરમી પડી રહી છે , તો કોઈક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં દર વર્ષે 15 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ, આ વર્ષે 4 દિવસ અગાઉ એટલે કે 11 જૂનથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ અનેક જગ્યાએ સારો એવો વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં તો ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કરી લીધા છે. આજે રાજ્યના 16થી વધુ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણથી લઈ મધ્યગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમજ અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.
આ વર્ષે ચોમાસાની સિઝનના 90-95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે. જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે.
આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.