આગાહી@ગુજરાત: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, મેઘનું યલો એલર્ટ

ગુજરાતમાં  4 દિવસ સુધી વરસાદ પડશે
 
આગાહીઃ દિવાળીના દિવસે જ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં પણ વરસાદ આવી રહ્યો છે. કેટલીક જગ્યાઓ પર ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.  હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત ઉકળાટનો અનુભવ થશે. સમગ્ર રાજ્યમાં વીજળીના ભારે કડાકાભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાક અનેક જિલ્લામાં વીજળી અને વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે એમ બે દિવસ વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સેલ્સિયસ રહેતાં શહેરીજનોને બફારાનો અનુભવ થશે.


ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. એમાં આજે એટલે કે 14 મેના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે. આવતીકાલે 15 મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની શક્યતા છે. 16 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલી, 17 મેના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે, એટલે કે આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત્ રહેશે.


એક તરફ કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ગુજરાતમાં લાંબો સમય ઠંડકનો અનુભવ રહેશે નહીં. આગામી બે દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. અમદાવાદ શહેરમાં પણ આજે દિવસ દરમિયાન બફારાનો અનુભવ થયા બાદ સાંજના સમયે ગઈકાલની જેમ જ વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજના 4:30 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવીને આંધી સહિત ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. આજે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે.


હવામાન વિભાગની આ પ્રકારની આગાહી સામે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે. ભારે પવન ફૂંકાવાને કારણે આંબા ઉપર તૈયાર થયેલી કેરી પણ ખરી પડે એવી શક્યતા છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તૈયાર થયેલો પાક ખુલ્લામાં પડી રહ્યો હોય તો એને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ સૂચના આપી છે.