આગાહી@ગુજરાત: મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, કયા કયા વિસ્તારોમાં પડશે ?

અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.
 
વરસાદ આગાહી 1

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. મેઘરાજાએ થોડા સમય વિરામ લીધા બાદ ફરી મન મુકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

આગામી 48 કલાક દરમિયાન ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમની અસર રહેશે, જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.