આગાહી@ગુજરાત: આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
થોડા દિવસ વિરામ લીધા બાદ ફરી રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી છે.
હાલમાં ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર-હવેલીનો સમાવેશ થાય છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.. સાથે જ અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે.