આગાહી@ગુજરાત: હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
 
વરસાદ 5

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લામાં વાવણીલાયક વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં વિધિવત્ પ્રવેશ્યા બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગતરાત્રે ભાવનગર, અરવલ્લી, છોટા ઉદેપુર, હાલોલ સહિતમાં વરસાદ વરસ્યો હતો. તેમજ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો હતો. તાપીના કુકરમુંડામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.


હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજયનાં વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને પગલે આજે ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણાખરા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે કચ્છમાં છુટા છવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં વરસી શકે છે.


હવામાન વિભાગની સવારના 10:00 વાગ્યાની આગાહી અનુસાર, આગામી 3 કલાક માટે એટલે કે બપોરના 1:00 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં 5થી 15 મી.મી પ્રતિકલાક વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા તથા દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
ભાવનગરમાં મોડીરાત્રે એકાએક જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. જેથી રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અગાસીમાં સૂવા ગયેલ લોકોની નિંદર પણ બગડી હતી. સતત બે દિવસથી અસહ્ય ગરમીથી લોકોને મહદંશે રાહત મળી હતી.


પાવી જેતપુરમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છોટા ઉદેપુરના પાવી જેતપુરની સાથે સાથે બોડેલી, સંખેડા, છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડ્યો છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
હાલોલમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી
હાલોલ નગરમાં રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહેલા નગરજનોને ગરમીમાં આંશિક રાહત મળી છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટનો અનુભવ થયો હતો. ત્યારે રાત્રે વાતાવરણ બદલાતા ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. સિઝનનો પહેલો વરસાદ વરસતા નગરજનોએ વરસાદની મજા માણી હતી.


વરસાદની શરૂઆત થતાં જ વીજ પ્રવાહ ખોરવાઈ જતા નગરમાં અંધારપટ છવાઈ ગયો છે. રાત્રે ખરા સમયે જ લાઈટો ડૂલ થઈ જતાં નગરજનો વીજ કંપનીના ત્રાસ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ સિઝનના પહેલા વરસાદમાં બાળકોએ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો હતો.


અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકામાં ગતરાત્રી દરમિયાન પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. સાંજથી વાતાવરણ બદલાયેલ હતું. જે મોડી રાત્રે વરસાદમાં પરિવર્તિત થયું હતું. વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ છે. આ વરસાદ માલપુરના સજ્જનપુરા કંપા, કૃષ્ણાપુર કંપા, ગોવિંદપુર, વણઝારિયામાં જ્યારે મેઘરજના લીંબોદરા પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતો વાવેતર કરી શકે એટલો વરસાદ થયો છે. ગાજવીજ સાથે વરસાદ થવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ હતી.


શનિવારની સાંજે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેને લઈ મહીસાગર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે જિલ્લામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારનાં ગામોમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં કડાણા તાલુકાના ડિટવાસ,પુનાવાડા બોર્ડર,ગોધર,જોગણ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ ઉકળાટ બાફારાથી પરેશાન થયેલ લોકોને પણ ગરમીથી રાહત મળી છે.