આગાહી@ગુજરાત: 25થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ

છુટા-છવાયા અને હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રિપોર્ટ@સુરત: 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છુટા-છવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં LCS-3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC-1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે.

આજે વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે વાપી અને આજુબાજુના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદે ત્રેવડી ઋતુનો અહેસાસ કરાવ્યો. આ મોસમી વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકનો માહોલ છવાયો હોવા છતાં ખેડૂતોમાં પાક કાપણીના સમયે નુકસાનની ભીતિ સાથે ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે લોકોમાં આનંદ અને ચિંતા બંનેનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આજે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા-છવાયા અને હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.