આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર

વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યાં હતાં.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 5 મેના અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહિસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદો ખાબક્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યાં હતાં.

આજે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યના ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે. આજે ગરમીમાં ઘટાડો થશે, પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત્ રહેશે. સાથે જ પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે. જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચ્યો હતો, તે પ્રમાણે હવે રાજ્યના લોકોને ગરમીથી થોડીક રાહત પણ મળી રહેશે.

ગીર સોમનાથના ગીર ગઢડા અને ઊના તાલુકાના ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ગીર ગઢડાના હરમડીયા, પૂછવી, એભલવડ, ધોકડવા, બેડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા છે.

ઉનાના ઉમેજ, પાતાપુર, ભાચા સહિતના ગામોમાં પણ કમોસમી આફત વરસવાનું શરૂ થયું છે. ખેતરમાં રહેલા તૈયાર પાકને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોટીયા છે. તો કંસારી રોડ પર વૃક્ષ ધરાશાય થતાં વાહનો થંભી ગયા હતાં.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ગાજવીજ સાથે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વધુ છે. અમદાવાદ શહેરમાં આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બન્યા છે, જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે. સાથે સાથે બે અલગ-અલગ સિસ્ટમ અને ભેજભર્યા પવનના પ્રભાવને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. 7થી 12 મે વચ્ચે વાતારવણ શુષ્ક રહેશે.