આગાહી@ગુજરાત: આજથી 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા

આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે.

ખાસ કરીને 18 અને 19 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. જોકે, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી બફારા અને ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી 3 દિવસ એટલે કે 18થી 20 માર્ચના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

19 માર્ચના રોજ વરસાદની શક્યતા વધશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા અને પાટણ ઉપરાંત પંચમહાલ, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા સરહદી જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જળવાઈ રહેશે, જે બાદ વાતાવરણ ચોખ્ખું થવાની આશા છે.

હવામાન વિભાગે 18 અને 19 માર્ચ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે ડીસા તાલુકાના ખેડૂતો અને ડીસા માર્કેટ યાર્ડ સત્તાધીશો એલર્ટ બન્યા છે. હાલ શિયાળુ પાકો જેવા કે ઘઉં, રાયડો અને રાજગરો તૈયાર થઈ ગયા છે. ખેડૂતો ખેતરોમાંથી તૈયાર થયેલા પાકને ઝડપથી કાપીને માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે, જેથી વરસાદથી થતા નુકસાનથી બચાવી શકાય. જોકે, ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી અમરત જોષીએ ખેડૂતોને હાલ નવા પાક યાર્ડમાં ન લાવવા અને જે માલ યાર્ડમાં હાજર છે તેને તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવાની અપીલ કરી છે.