બનાવ@ધોળકા: પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરવા ઝેરી દવા ગટગટાવી

બનાવમાં પિતા અને પુત્રનાં મોત
 
દવા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દુનિયામાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે.અમદાવાદ જિલ્લાના ધોળકામાં પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરવા ઝેરી દવા ગટગટાવી હતી. આ બનાવમાં પિતા અને પુત્રનાં મોત નીપજ્યાં છે અને માતા અને અન્ય દીકરો સારવાર હેઠળ છે. પરિવારની દીકરીએ પ્રેમલગ્ન કર્યા બાદ વેવાઈ પક્ષના વર્તનથી લાગી આવતા આ પગલું ભર્યું છે તે પ્રકારના લખાણવાળી ચિઠ્ઠી ધોળકા પોલીસને મળી છે.

તેના આધારે દીકરીના સાસરી પક્ષ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.

મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુરના નજીકના ગામના વતની અને હાલ ધોળકા નજીકના મફલીપુર ગામની રામદેવનગર સોસાયટીમાં રહેતા કિરણભાઇ રાઠોડના પરિવારની દીકરીએ થોડા દિવસ આગાઉ ગામના જ યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. દીકરીના આ પગલાંથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બીજી તરફ, દીકરીના સાસરિયાંના વર્તનમાં ભેદ હોવાથી દીકરીના પરિવારને આઘાત લાગ્યો હતો. આજે બપોરે જ પતિ, પત્ની અને બે સંતાનો ઘરમાં ભેગા થયા હતા અને ચારેય સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં કિરણભાઈ ગુલાભાઈ રાઠોડ અને હર્ષ કિરણભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું. જ્યારે નીતાબેન કિરણભાઈ રાઠોડ અને હર્ષિલ કિરણભાઈ રાઠોડને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ધોળકા ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે, આ પરિવાર મૂળ મહેસાણા વિજાપુર નજીક હાંસલપુર ગામનો વતની છે અને હાલ ધોળકા નજીક મફલીપુર ગામમાં આવેલી રામદેવનગર સોસાયટીમાં રહેતો હતો. મૃતક 52 વર્ષીય કિરણભાઈ રાઠોડ ધોળકા GEBમાં લાઈનમેન તરીકે નોકરી કરતા હતા. થોડા દિવસ આગાઉ કિરણભાઈની દીકરીએ પરિવારની સહમતી વિના પ્રેમલગ્ન કરી લીધા હતા. દીકરીના સાસરિયાંએ આ પરિવાર સાથે બોલવાનો સંબંધ ન રાખતા તેમને વધુ આઘાત લાગ્યો હતો. તેથી પરિવારે ભેગા આ પગલું ભર્યું હતું.