છેતરપિંડી@અમદાવાદ: યુવકને લગ્નની લાલચ આપીને 3 લોકોએ 1.36 લાખની છેતરપિંડી આચરી

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 
 
છેતરપિંડી: 1 સંતાનની માતાએ કુંવારી હોવાનું નાટક કરી, પ્રેમી પાસેથી 3 લાખ પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર છેતરપિંડીના બનાવો સામે આવતા હોય છે. કઠવાડા GIDCમાં સામાન્ય નોકરી કરતા યુવકને લગ્નની લાલચ આપીને ત્રણ લોકોએ છેતરપિંડી આચરી છે. યુવકના સંબંધીએ અન્ય સંબંધીઓને આ યુવક માટે યુવતી બતાવવા કહેતા આણંદની શોભના નામની યુવતી સાથે મુલાકાત કરાવી હતી. પરંતુ છોકરીની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી લગ્નનો ખર્ચ યુવકનો પરિવાર ઉઠાવશે તેવી વાત થઇ હતી. જો કે બાદમાં યુવતી સહિતની ગેંગ રૂ.1.36 લાખ લઈને લગ્ન કર્યા વિના ફરાર થઇ જતા આ મામલે કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

 

કપડવંજના આંતરોલી ગામમાં રહેતો ૩૬ વર્ષીય યુવક કઠવાડા GIDCમાં એક કંપનીમાં નોકરી કરે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી જીવનસાથી મળતી ન હતી. જેથી સંબંધીઓને વાત કરતા ભરત પટેલ નામના સંબંધીના કહેવાથી મંગળસિંહ ઠાકોરે આણંદ જિલ્લાની શોભના રાજપૂત નામની યુવતી સાથે લગ્નની વાત કરી હતી. યુવક અને યુવતી બંને એકબીજાને મળ્યા પણ બાદમાં યુવતીની આર્થિક પરિસ્થિતિ સારી નથી માટે લગ્નનો તમામ ખર્ચ યુવકના પરિવારજનો ઉઠાવશે તેવું નક્કી કર્યુ હતું. બાદમાં યુવકે કોર્ટ મેરેજ કરવાની વાત કરતા ભરત પટેલ અને મંગળ ઠાકોરે ઇનકાર કર્યો હતો. ત્યારબાદ સગાઈની વિધિ થયા બાદ યુવકને ફોન કરીને યુવતીના ઘરે બોલાવીને રૂપિયાની માગણી કરાઇ હતી. જેથી યુવકે અગાઉ 50 હજાર આપ્યા બાદ વધુ 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. આમ, એક બાદ એક યુવતી પક્ષના લોકોએ રૂપિયા પડાવ્યા હતા. એક દિવસ શોભનાને રૂ. 10 હજારની જરૂર છે તેમ કહેતા જ યુવકને શંકા જતા રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

ત્યારબાદ શોભાનાએ યુવકને ફોન કરી કહ્યું કે મારે તમારી સાથે લગ્ન કરવા નથી કહીને સંબંધ તોડી નાખતા યુવકે ભરત પટેલ તથા મંગળભાઈને મનાવતો હતો. પરંતુ ઠગ ટોળકીએ વાયદા કરીને 1.36 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેથી યુવકે આ મામલે શોભના રાજપૂત, ભરત પટેલ અને મંગળસિંહ ઠાકોર સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.