છેતરપિંડી@રાજકોટ: ચારધામ યાત્રા માટે ઓનલાઈન બુકિંગના નામે યુવક સાથે આરોપીએ 6.66 લાખની છેતરપિંડી કરી

એડવાન્‍સ પેમેન્‍ટ જમા કરવા કહ્યું હતું
 
છેતરપિંડી@રાજકોટ: ચારધામ યાત્રા માટે ઓનલાઈન બુકિંગના નામે યુવક સાથે આરોપીએ 6.66 લાખની છેતરપિંડી કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીના બનાવો સામે આવતા હોય છે.  રાજકોટમાં નિવૃત ડે. ઈજનેર સાથે લાખોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં સિંચાઇ ખાતાના નિવૃત ડે. એન્‍જિનિયર અને તેમના ગ્રુપના 22 લોકોને ચારધામ યાત્રાએ જવું હોઇ ઓનલાઇન સર્ચ કર્યું હતું. બાદમાં અતિથી ટ્રીપ હોલીડેના પ્રદિપ શર્માનો સંપર્ક કર્યો હતો. તેમણે પેકેજ બૂકિંગના નામે રૂપિયા 6,66,999 માંગતા ડે. ઇજનેરે ચૂકવી આપ્યા હતા. પ્રદીપ શર્માએ પેકેજ મુજબ હરિદ્વારમાં તમામ બુકિંગ થઈ ગયું હોવાનું કહેતા 22 લોકો હરિદ્વાર પહોંચ્‍યા હતા. જો કે, હરિદ્વાર જતાં ત્‍યાં કોઇ ટૂર પેકેજ બૂકિંગ ન મળતાં છેતરાયાની જાણ થઈ હતી. જેને પગલે પોતાના ખર્ચે ચારધામની યાત્રા પુરી કરી રાજકોટ આવ્‍યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


રાજકોટની ગુરૂપ્રસાદ સોસાયટીમાં રહેતા નિવૃત ડેપ્યુટી એન્જિનીયર પ્રદીપભાઈ ઉપેન્દ્રભાઈ રાવલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે નિવૃત છે. ચારધામ યાત્રાએ જવાનો વિચાર આવતા ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન પેકેજ સર્ચ કર્યા હતા. જેમાં અતિથી ટ્રીપ હોલીડેઝ નામની ટૂર કંપની જોવા મળી હતી. જેમાં પ્રવિણ શર્માના નામથી મોબાઇલ નંબર હોય તેના પર કોન્‍ટેક્‍ટ કર્યો હતો. જેથી ફોન રિસીવ કરનારે ચારધામ યાત્રાની ટૂર માટે એક વ્‍યક્‍તિ દીઠ રૂા. 30 હજારની ફી જણાવી હતી.

અમારે મિત્ર સર્કલ મળી કુલ 26 લોકોને યાત્રામાં જવું હોય ફુલ પેકેજના રૂા. 7,80,000 મને જણાવતાં અને એડવાન્‍સ પેમેન્‍ટ જમા કરવાનું કહેવાતાં મેં બીજા સભ્‍યો સાથે વાતચીત કરી હતી. ફોન કરનારે અમને વિશ્વાસમાં લીધા હોય તેના કહેવા મુજબ કટકે કટકે અલગ અલગ બેંકના એકાઉન્‍ટમાં રૂા. 6,66,999ની રકમ ટ્રાન્‍સફર કરી દીધી હતી. આ રકમ મારા આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્‍ટમાંથી તથા મારા મિત્ર અજયભાઇ પટેલના એસબીઆઇ એકાઉન્‍ટમાંથી ટ્રાન્‍જેક્‍શન કરી હતી.


જો કે, બાદમાં અમારા ગ્રુપમાંથી 26ને બદલે 22 સભ્‍યોને જ ચારધામ યાત્રાએ જવાનું નક્કી થતાં બૂકિંગ કરનારે  પેકેજ આપતાં અમે હરિદ્વાર પહોંચી ગયા હતાં. ત્‍યાં જઇને ખબર પડી હતી કે અમારુ કોઇ પેકેજ ત્‍યાં બૂક થયું જ નથી. આથી અમે મોબાઈલ કરતા ફોન બંધ થઇ ગયો હતો. બીજા જ દિવસે તા. 22-9-23નાં અમે કનખલ પોલીસ સ્‍ટેશન હરિદ્વાર ખાતે આ બનાવની જાણ કરી હતી. ત્‍યારબાદ આમારા ખર્ચે ચારધામ યાત્રા કરી પરત રાજકોટ આવી સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર હેલ્‍પલાઇન નંબર 1930માં ફરિયાદ કરી હતી. તેના આધારે હવે મેં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ગુરૂપ્રસાદ સોસાયટી બ્‍લોક નં. 6 દોશી હોસ્‍પિટલ પાછળ રહેતાં અને ગુજરાત સરકારનાં સિંચાઇ ખાતામાંથી ડેપ્‍યુટી એન્‍જિનીયર પદેથી નિવૃત થયેલા પ્રદિપભાઇ ઉપેન્‍દ્રભાઇ રાવલની ફરિયાદ પરથી બે અલગ અલગ મોબાઇલ નંબરના ધારક પ્રવિણ શર્મા, બેંક ઓફ ઇન્‍ડિયાના એક એકાઉન્‍ટ ધારક સહિતનાઓ સામે ચારધામ યાત્રાની ટૂર બૂકિંગના નામે રૂા. 6,66,999ની છેતરપિંડી કર્યાનો ગુનો દાખલ કર્યો છે. અને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.