છેતરપિંડી@અમદાવાદ: નાણાં મોકલવાનું ધતિંગ કરીને 5 શખ્સોએ રૂપિયા 25 લાખની છેતરપિંડી આચરી

સુરેન્દ્રનગરના યુવકના સીમકાર્ડનો ખોટો ઉપયોગ કરાયો
 
 છેતરપિંડી@જામનગર: પુત્રને MDના અભ્યાસ માટે NRI ક્વોટામાં એડમિશ આપવાના બહાને ખંખેર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરતા વેપારીએ પાંચ લોકો સામે 25 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વેપારીના પાર્ટનર દુબઇ હતા ત્યારે બિઝનેસના કામથી 25 લાખની જરૂર પડી હતી.

જેથી વેપારીએ તેમના મિત્રને વાત કરતા તેમણે એક વ્યક્તિનું નામ નંબર આપ્યો હતો. જે શખ્સ સાથે વેપારીએ વાત કરતા તેણે અહીં આંગડિયા પેઢીમાં 25 લાખ ભરી દીધા બાદ દુબઇમાં તેના ઓળખીતા દ્વારા 25 લાખ અપાવવાનો વાયદો કર્યો હતો. વેપારીએ આંગડિયા પેઢીમાં 25 લાખ મોકલ્યા પણ દુબઇમાં બેઠેલા શખ્સે પોલીસ પકડી ગઇ હોવાની ખોટી વાત કરીને પાંચ શખ્સોએ 25 લાખ ભાગે પડતા લઇ લીધા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં આવેલા સનરાઇઝ બંગ્લોઝમાં રહેતા અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરતા સુમન પટેલના ભાગીદાર મિતેશ પટેલ વર્ષ 2022માં દુબઇ ગયા હતા. મિતેષભાઇએ દુબઇમાં ધંધા માટે 25 લાખની જરૂર હોવાનું સુમનભાઇને કહ્યું હતું. જેથી સુમનભાઇએ તેમના મિત્ર આનંદભાઇને વાત કરતા તેમણે તેમના મિત્ર તુષાર ઠાકોર કે જે દુબઇ ગયો હતો ત્યાં કોઇ પરિચીત પાસેથી અપાવી આપશે તેવી વાત કરી હતી. જેથી તુષારનો સંપર્ક કરતા તુષારે સુરતના પ્રફુલ સોની કમિશન લઇને દુબઇમાં 25 લાખ દિરહામ કરન્સીમાં આપી દેશે તેવી વાત કરી કરી હતી. બાદમાં સુમનભાઇ તુષારને મળ્યા હતા અને નરોડામાં 25 લાખ આપ્યા હતા.

તુષારે સુરતના પ્રફુલ મારફતે વિકી શાહ સાથે વાત કરીને તેના કહેવા મુજબ મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢી રાજકોટ ખાતે 25 લાખ મોકલવાનું જણાવ્યું હતું. જેથી બાપુનગર ખાતેની આંગડિયા પેઢીમાં વિકીના મિત્ર વિશાલ ધાણકને 25 લાખ મોકલી આપવા સ્લીપ ભરી હતી. જે નાણાં વિશાલ ધાણકે મેળવી લીધા બાદ દુબઇમાં બેઠેલા પ્રફુલ અને વિકીને 25 લાખ આપ્યાની વાત કરી હતી.

જો કે બાદમાં મિતેષ પટેલને દુબઇમાં પૈસા મળ્યા ન હતા. જેથી દુબઇ રહેતા વિકી શાહને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો અને પેમેન્ટ આપવા જતા પોલીસે પકડ્યો હોવાની ખોટી કહાની ઘડી હતી. બાદમાં પ્રફુલ સોનીએ દુબઇમાં મિતેશભાઇને કોઇ અન્ય થકી નાણાં અપાવવાનો વાયદો કર્યો હતો. જો કે દાળમાં કંઇક કાળુ હોવાની શંકાએ તપાસ કરતા આ તમામ શખ્સોએ આંગડિયા પેઢી મારફતે નાણાં મેળવીને સરખે ભાગે વહેંચી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં વિકી શાહ (રહે. દુબઇ), સુનીલ સોની (રહે. જ્યોર્જીયા), વિશાલ ધાણક (રહે. દુબઇ), પ્રફુલ સોની (રહે. સુરત) અને તુષાર ઠાકોર (રહે. નરોડા) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના યુવકના સીમકાર્ડનો ખોટો ઉપયોગ કરાયો

આ મામલે થયેલી તપાસમાં સામે આવ્યું કે આરોપી તુષારે જે નંબરનો ઉપયોગ કર્યો હતો તે સુરેન્દ્રનગરના કોઇ વ્યક્તિના નામનું સીમકાર્ડ હતું. આરોપીએ સીમકાર્ડનો ખોટો ઉપયોગ કરીને દુબઇ નાણાં મોકલવાના બહાને આરોપી વિકી દુબઇમાં પોલીસ પકડમાં હોવાની ખોટી વાત ઉપજાવી કાઢી ઠગાઇ આચરી હતી.