છેતરપિંડી@આણંદ: ONGCમાં ગાડી ભાડે મુકવાના બહાને બોરીયાવીના યુવક પાસેથી ઈકો ગાડી લઈ ફરાર

પોલીસે ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી
 
 છેતરપિંડી@આણંદ: ONGC માં ગાડી ભાડે મુકવાના બહાને બોરીયાવીના યુવક પાસેથી ઈકો ગાડી લઈ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોરીના ગુના ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના  બનાવો સામે આવતા હોય છે.  કરમસદનો એક શખ્સ ONGCમાં ગાડી ભાડે મુકવાના બહાને બોરીયાવીના યુવક પાસેથી ઈકો ગાડી લઈ રફુચક્કર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ તાલુકાના બોરીયાવી ગામના પટાક વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા સુનીલભાઈ સોમાભાઈ રાઠોડ નાસ્તાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ સન 2019 માં ઇકો ગાડી નંબર GJ 23 CB 3887 હપ્તેથી ખરીદી હતી. આ કાર તેઓ બહારગામની વર્ધી માટે ભાડે આપતાં હતાં. ગત તારીખ 9 જુન 2023 ના રોજ આ સુનીલભાઈ પોતાના એક મિત્ર મારફતે ભરત ઉગમસિંહ રબારી સાથે મુલાકાત થઈ હતી. દરમિયાન આ ભરત રબારીએ જણાવ્યું હતું કે, મને ઓએનજીસીમાં ગાડીઓ મુકવાનો કોન્ટ્રાક્ટ મળેલો છે, તમારે ગાડી મુકવી હોય તો માસીક રૂપિયા 20 હજાર ભાડુ મળશે. ગાડીનું ઈંધણ, મેન્ટેનન્સ, ડ્રાઇવરનો ખર્ચ અમારો રહેશે.

જેથી સુનિલભાઈ કાર ભાડે મુકવા તૈયાર થયાં હતાં અને વડોદરાના વાઘોડિયા ખાતે જઈને પોતાની ઈકો કાર ભરતભાઈ રબારીને આપી આવ્યાં હતાં. જેના થોડા દિવસો બાદ કારનો હપ્તો ભરવાનો થતાં સુનીલભાઈએ ભાડા માટે ભરતને રીંગ કરી હતી. જે તે વખતે ભરતે 10 હજાર રૂપિયા સુનિલભાઈના ખાતામાં ઓનલાઇન ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતાં અને બાકીના 10 હજાર રૂપિયા આવતા મહિને આપીશ તેમ જણાવ્યું હતું. જે બાદ એકપણ વખત ભાડું આપ્યું ન હતું અને છેલ્લાં સાત – આઠ મહિનાથી ભરત ક્યાંક જતો રહ્યો હતો. આખરે આ કિસ્સામાં પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતાં સુનીલ રાઠોડે આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ભરત ઉગમસિંહ રબારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.