છેતરપિંડી@રાજકોટ: વેપારીની પેઢીના ખોટા જીએસટી બિલ અપલોડ કરી રૂા.60.93 કરોડની છેતરપીંડી

 ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી
 
છેતરપિંડી: 1 સંતાનની માતાએ કુંવારી હોવાનું નાટક કરી, પ્રેમી પાસેથી 3 લાખ પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં છેતરપિંડીના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ફ્રોડની ઘટનાઓ સામે આવતીજ હોય છે. 

 રાજકોટના ઇતિહાસની લગભગ સૌથી મોટી રૂ.60.93 કરોડની છેતરપીંડી સામે આવી છે.મવડીમાં આર.કે.એમ્પાયર બિલ્ડીંગમાં ઓફીસ ધરાવતાં પ્રશાંત ગોહેલ નામના વેપારીએ ગુરૂગ્રામની ન્યુટ્રી એગ્રો ઓવરસીઝ નામની પેઢીના સંચાલક દંપતી પાસેથી 32 હજાર મેટ્રિક ટન ખાંડનો ઓર્ડર આપી રૂ.69 કરોડ ટ્રાન્સફર કર્યા બાદ આરોપીએ રૂ.8 કરોડની ખાંડ મોકલી રૂ.60.93 કરોડની છેતરપીંડી કર્યાનું સામે આવતાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ગોંડલ રોડ પર કાંગસિયાળીમાં આવેલ સ્થાપત્ય ગ્રીન સિટીમાં રહેતાં અને મવડીમાં આર.કે.એમ્પાયર બિલ્ડીંગમાં ઓફીસ ધરાવતાં પ્રશાંતભાઈ અશોકભાઈ ગોહેલ (ઉ.વ.28) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગુરૂગ્રામની ન્યુટ્રી એગ્રો ઓવરસીઝ નામની પેઢીના સંચાલક અવિનાશ બંસલ અને તેની પત્ની પ્રેરણાનું નામ આપતાં ક્રાઇમ બ્રાન્ચે વિશ્વાસઘાત, છેતરપિંડી, બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદી પ્રશાંતભાઈએ જણાવ્યું છે કે, તે મુખ્યત્વે ખાંડ અને કોમોડિટીની પ્રોડકટના ટ્રેડીંગનું કામ કરે છે. વેપારીઓના ગ્રુપમાંથી તેને જાણવા મળ્યું હતું કે, ગુરૂગ્રામની ન્યુટ્રી એગ્રો ઓવરસીઝ નામની પેઢી મોટા પ્રમાણમાં ખાંડ સપ્લાય કરે છે. તેને પણ મોટા પ્રમાણમાં ખાંડની ખરીદી કરવી હોવાથી ઓનલાઈન સર્ચ કરી પેઢીના ડિરેકટર અવિનાશ બંસલનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. તે વખતે તેને 200 ટન ખાંડનો ઓર્ડર આપ્યો હતો. જેનો ભાવ કિલોના ટેકસ સહિત રૂ.29.50 નકકી થયો હતો. જેના ભાગરૂપે તેણે તેની પેઢીના બેન્ક ખાતામાંથી અવિનાશ બંસલને રૂ.પર લાખ આરટીજીએસથી મોકલી આપ્યા હતા. તે વખતે તેને ખાંડની ડિલેવરી સમયસર મળી ગઈ હતી. આ જ કારણથી વિશ્વાસ બેસી ગયો હતો. થોડા દિવસ બાદ વધુ ખાંડ લેવાની જરૂરિયાત ઉભી થતાં. ગત મે માસમાં તેણે ફરિથી અવિનાશ બંસલનો સંપર્ક કરી 30 થી 40 મેટ્રીક ટન ખાંડની જરૂરીયાત હોવાનું કહ્યું હતું. જેની સામે અવિનાશ બંસલે કહ્યું કે, તે 16-16 હજાર મેટ્રીક ટન ખાંડ બે તબકકે પૂરી પાડશે. એક કિલોના ભાવ ટેકસ સહિત રૂ.26.50 રહેશે. જેથી તેણે સોદો કર્યો હતો.

જેના ભાગરૂપે તેને 32 હજાર મેટ્રીક ટન ખાંડના રૂ.82 કરોડ ચુકવવાના હતા. ગત મે માસથી જુલાઈ માસ દરમિયાન તેણે કટકે-કટકે રૂ.69.12 કરોડ એડવાન્સ ચુકવી આપ્યા હતા. જેના બદલામાં તેને રૂ.8.19 કરોડની કિંમતની અંદાજે 4250 ટન ખાંડની ડિલેવરી મળી ગઈ હતી. જેના અઠવાડીયા બાદ તેણે અવિનાશ બંસલને કોલ કરી બાકીનો માલ મોકલવાનું કહેતાં 15 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ સવા મહિનો થઈ જવા છતાં માલ નહીં મોકલતા તેણે કોલ કર્યો હતો. જેના જવાબમાં અવિનાશ બંસલે કહ્યું કે હાલ તેની પાસે માલ નથી. જેથી કટકે કટકે બાકી નીકળતા રૂપિયા પરત આપી દેશે. પરંતુ આમ છતાં કોઈ રકમ પરત આપી ન હતી. આખરે તે એકાઉન્ટ લેજર સ્ટેટમેન્ટ લઈ અવિનાશ બંસલને ગુરૂગ્રામના સેકટર-54માં સેન્ટ્રમ પ્લાઝામાં આવેલી તેની ઓફિસે રૂબરૂ મળવા ગયો હતો. તે વખતે અવિનાશ બંસલ અને તેની પત્ની પ્રેરણા રૂબરૂ મળ્યા હતા. બંનેએ કહ્યું કે, હવે તમારા આશરે રૂ.2 કરોડ જમા છે, બાકીનો માલ અમે મોકલી દીધો છે. જેના બીલ પણ જીએસટી પોર્ટલ પર અપલોડ કરી દીધા છે.આ વાત સાંભળી તે ચોંકી ગયો હતો.

તેણે કહ્યું કે, આપણે જે 32 હજાર ટન ખાંડનો સોદો થયો હતો તેમાંથી ફકત 4250 ટન ખાંડ જ તેને મળી છે. આ સિવાય કોઈ માલ મળ્યો નથી. જેની સાબીતી રૂપે પેઢીના એકાઉન્ટ લેઝર સ્ટેટમેન્ટ પણ બતાવ્યા હતા. તેની સામે બંનેએ કહ્યું કે, અમે તમને જેટલો માલ મોકલ્યો છે તેના અમારી પાસે બીલ પણ છે. બાદમાં રૂ.49.18 અને રૂ.11.33 કરોડનું એમ બે બીલ બતાવ્યા હતા. જે જોઈ તેણે કહ્યું કે, આ માલ તેને મળ્યો નથી. કોઈ ઈ-વે બીલ પણ મળ્યા નથી. જે વાત બંનેએ નહીં માની સ્પષ્ટ કહી દીધું કે, હવે તમારા માત્ર રૂ.ર કરોડ જ જમા છે. જે રકમની વ્યવસ્થા થશે ત્યારે પરત આપી દેશું. આખરે તે રાજકોટ પરત આવી ગયો હતો. ત્યારબાદ 6 થી 7 વખત બંનેને રૂબરૂ મળ્યો હતો. પરંતુ બંને માલ મોકલી દીધાનું રટણ કરતા રહ્યા હતા. તેણે બીલની કોપીઓ માંગતા તે પણ આપી ન હતી. એટલું જ નહીં જે પણ કાયદેસર કાર્યવાહી કરવી હોય તે કરી લેવાનું કહ્યું હતું. આખરે તેણે જીએસટી પોર્ટલમાં તેની પેઢીના નંબર પર તપાસ કરતાં રૂ.11.33 અને રૂા.49.18 કરોડના બે બીલ અપલોડ કરેલા જોવા મળ્યા હતા. આ બંને બીલ ખોટી રીતે અપલોડ કરાયાનું તેના ધ્યાનમાં આવ્યું હતું. બંને આરોપીઓએ આ રીતે ખોટા બીલ બનાવી તેની સાથે છેતરપિંડી કર્યાનું સ્પષ્ટ થતાં આજે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ક્રાઈમ બ્રાંચ પીઆઈ વાય.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ ડામોરે વધું તપાસ હાથ ધરી હતી.