છેતરપિંડી@સુરત: બિલ્ડરે ધંધા માટે વ્યાજે 27 કરોડ રૂપિયા લેવા જતાં 3.97 કરોડ રૂપિયા ગુમાવ્યા

3.97 કરોડ રૂપિયા ગુમાવ્યા
 
ફ્રોડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીના બનાવો સામે આવતા હોય છે. સિટીલાઇટના બિલ્ડરે ધંધા માટે વ્યાજે 27 કરોડ રૂપિયા લેવા જતાં 3.97 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. એક પણ રૂપિયાે આપ્યા વિના અડાજણના સગા બે ભાઇઓ અને તેમના પિતાએ બિલ્ડર પાસેથી 15 ટકા ડિપોઝિટના નામે કરોડો ખંખેરી લીધા હતા. પિતા-પુત્રોની ઠગ ત્રિપુટીએ રૂપિયા મંદિર ટ્રસ્ટના અને રાજકારણીઓના હોવાની વાત બિલ્ડરને કરી હતી.સિટીલાઇટ એન્જલ રેસિડન્સીમાં રહેતા બિલ્ડર વિમલ ભીમાણીએ ફરિયાદ આપતા સિંગણપોર પોલીસે મુકેશ ભીંગરાડીયા, તેનો ભાઈ દિલીપ ભીંગરાડીયા અને પિતા ત્રિકમ(ત્રણેય સમુરીયા ફલેટ્સ, પાલ રોડ,અડાજણ)સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

વેડરોડના મોબાઇલના વેપારી સિદ્ધાર્થે બિલ્ડર વિમલની ઓળખાણ બંને આરોપી ભાઇઓ સાથે કરાવી હતી. 2020માં સિદ્ધાર્થે બિલ્ડરને કહ્યું કે જો તમારે વ્યાજે રૂપિયા જોઇતા હોય તો મારી એક વ્યકિત છે. જેની પાસે મંદિરના ટ્રસ્ટના અને રાજકારણીઓએ ફેરવવા માટે આપેલા રૂપિયા છે. વિમલને બાંધકામના ધંધામાં રૂપિયાની જરૂર હતી.

આથી તેણે સિધ્ધાર્થ મારફતે પાર્લે પોઇન્ટ પાસે બંને ભાઈ સાથે મુલાકાત કરી હતી. બંને આરોપીએ 1 કરોડ માટે 15 લાખ ડિપોઝીટ એડવાન્સ ની વાત કરી હતી. બિલ્ડરે 5 કરોડ માંગતા બન્ને ચીટરોએ 3 મહિનાની મુદ્દત માટે 75 લાખ ડિપોઝીટ પેટે માંગ્યા હતા. જેથી બિલ્ડરે 75 લાખ ચીટરના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ઉઘરાણી કરતા સિધ્ધાર્થએ કહ્યું કે મુકેશભાઈના ગાંધીનગરથી 15 કરોડ આવવાના છે. પછી ટોળકીએ બિલ્ડરને 10 કરોડ પછી 15 કરોડ ત્યાર બાદ 25 કરોડ અને છેલ્લે 27 કરોડ વ્યાજે આપવાનું કહી ડિપોઝીટ પેટે બિલ્ડર પાસેથી ટુકડે ટુકડે 3.97 કરોડ પડાવ્યા હતા. બિલ્ડરે રૂપિયા માંગતા આરોપીએ ઈન્દોર ખાતે રૂપિયા લેવા ગયો હોવાની વાત કરી સાથે 2 હજારની નોટના બંડલોના ફોટા પાડીને મોકલ્યા હતા. બિલ્ડરને બંને આરોપીએ વાયદો કરી બાંહેધરી કરાર લખી આપી બે ચેકો આપ્યા હતા.