છેતરપિંડી@રાજકોટ: નાણાં ટ્રાન્સફરના બહાને આરોપીએ યુવક સાથે રૂ. 1.67 લાખની છેતરપિંડી આચરી

ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ રકમ યુવકને નહીં ચૂકવી
 
ફ્રોડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં છેતરપિંડીનાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. શહેરના અંબાજી કડવા વિસ્તારમાં રહેતા યુવકને નાણાંની જરૂરિયાત ઊભી થતાં ક્રેડિટકાર્ડની રકમ રોકડ કરાવવા માટે એક શખ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેણે યુવકના રૂ.1,67,500 પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ તે રકમ યુવકને નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી.

અંબાજી કડવા પ્લોટમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલા ટ્રેન્ડ મોલમાં નોકરી કરતાં મયૂરરાજ લાલજીભાઇ વાઘેલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સોમૈયાનું નામ આપ્યું હતું. 

મયૂરરાજે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.28 નવેમ્બરે પોતે મોલમાં નોકરી પર હતો અને નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેની સાથે નોકરી કરતાં મિત્ર ધીરેન ધાબલિયાને વાત કરતાં તેણે કહ્યું હતું કે, તેનો પરિચિત હર્ષ સોમૈયા ક્રેડિટકાર્ડમાંથી રોકડા રૂપિયા ઉપાડી આપે છે અને તેના બદલામાં 2થી 3 ટકા કમિશન લે છે. 

જેથી હર્ષ સોમૈયાને ફોન કરતાં તે આવ્યો હતો અને રૂબરૂ મળ્યા હતા. મયૂરરાજે પોતાની પાસે રહેલા પાંચ ક્રેડિટકાર્ડ આપ્યા હતા અને તે પાંચેયમાંથી હર્ષ સોમૈયાએ રૂ.1,67,500 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. એક કલાકમાં રોકડા રૂપિયા આપું છું તેમ કહી હર્ષ સોમૈયા ત્યાંથી નીકળી ગયો હતો.

લાંબો સમય વીતવા છતાં હર્ષ પરત નહીં આવતા મયૂરરાજે ફોન કરતાં તેણે ફોન રિસીવ કર્યો નહોતો અને બાદમાં ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. મયુરરાજે ફરિયાદ નોંધાવતા પોલીસે હર્ષની શોધખોળ શરૂ કરી હતી.