છેતરપિંડી@અમદાવાદ: ગઠિયાએ ઇ-મેમોની બોગસ લિંક મોકલીને 25થી વધુ લોકોને છેતર્યાં

 ટ્રાફિક પોલીસ દ્વારા ઈ ચલણ મોકલવામાં આવે છે.
 
છેતરપિંડી@અમદાવાદ: વૃદ્ધે યુ ટ્યુબના ટાસ્ક પૂરા કરવાની લ્હાયમાં ખોયા રૂપિયા 83.24 લાખ, મચી ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોકલવામાં આવતા ઇ-મેમોનો દંડ ઓનલાઇન ભરવા માટે સરકાર દ્વારા તૈયાર કરેલી લીંકની ભળતી બનાવટી લીંક બનાવીને વાહનચાલકો પાસેથી નાણાં બારોબાર લઇને છેતરપિંડી કરવા મામલે અમદાવાદ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઈ છે. જે અંગે લીંક મોકલનારી ગેંગ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

જેમાં અત્યાર સુધી 25થી વધુ લોકો આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું પોલીસ માની રહી છે.

પોલીસ કમિશનર કચેરી સ્થિત પોલીસ કંટ્રોલ રૂમના એએસઆઇ યોગેન્દ્રસિંહે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે કે અમદાવાદમાં ચાલતા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવીથી શહેરના રસ્તા પર ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારના વાહનનો ફોટો પાડીને નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર મોકલવામાં આવે છે. જે બાદ વન નેશન વન ચલણ હેઠળ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને દંડ ભરવા માટે લીંક મોકલવામાં આવે છે. જે લીંકને ઓપન કરીને ક્યૂઆર કોડથી ફાઇન ભરે છે. જો કે કેટલાક લોકો આ પ્રકારની બનાવટી લીંક મોકલીને અનેક લોકો સાથે છેતરપિંડી કરે છે. જેમાં ઓનલાઇન વાહનચાલકોની માહિતી મેળવીને મેસેજ મોકલવામાં આવતા હોવાનું જાણવા મળતા આ મામલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં ટોળકીએ 25થી વધુ લોકો પાસેથી નાણાં પડાવ્યા હોવાનું પોલીસ માની રહી છે. આરોપીઓ કેટલાક દંડની રકમ જણાવીને તેમાં ડિસ્કાઉન્ટ આપવાની વાત કરીને પણ લોકોને લાલચ આપીને ઠગાઇ આચરતા હતા. ત્યારે પોલીસે લોકોને સચેત રહેવા અપીલ કરી છે.

કેવી રીતે થાય છે ઠગાઇ

ટ્રાફિકના નિયમોના ઉલંઘ્ઘન બદલ વાહનચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ ચલણ મોકલવામાં આવે છે. જેનો લાભ ઉઠાવી સાયબર ક્રિમિનલ્સ ટ્રાફિક પોલીસનો ડેટા મેળવીને વાહનમાલિકને ફોન કરી બોગસ લિંક મારફતે દંડના નાણાં પડાવી લે છે. મહત્ત્વનું છે કે, શહેર પોલીસના 1 જાન્યુઆરી પહેલાના એટલે કે વર્ષ 2022 સુધીના 200 કરોડના દંડની ઉઘરાણી બાકી છે. જે માહિતી સાયબર ક્રિમિનલ્સ પાસે પહોંચી જતાં હવે ટ્રાફિક પોલીસનો દંડ સાયબર આરોપી મેળવી રહ્યા છે અને જો કોઈ વ્યક્તિ રકમ ભરવાની ના પાડે કે તરત જ તેને કોર્ટ અને જેલની ધમકી આપવામાં આવે છે.