છેતરપિંડી@અમદાવાદ: ઊંઝાના વેપારીને 40 લાખ પધરાવ્યા બાદ પોલીસની ટ્રેપ, 2 ઝડપાયા

દરેક ડિલિવરી પેટે 5 હજાર કમિશન + ભાડું, દિલ્હીના શખસે નોટો સપ્લાય કરી હતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ: ઓનલાઈન આંગડિયાના નામે નકલી નોટો પધરાવતી આંતરરાજ્ય ગેંગનો ઘાટલોડિયા પોલીસે પર્દાફાશ કર્યો છે. ઊંઝાના વેપારીને 40 લાખની નકલી નોટો આપી છેતરપિંડી કરનારી ગેંગના 2 શખસોને પોલીસે ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યા છે.

*શું થયું હતું?*

ઊંઝામાં બી.બી. ટ્રેડર્સ નામે જીરું-વરિયાળીનો વેપાર કરતા રોહિતકુમાર પટેલને નાગપુરની પેઢી પાસેથી 40 લાખ લેવાના હતા. ઓનલાઈન આંગડિયા મારફતે 17 નવેમ્બરે મિલન થિયેટર પાસે 5-5 લાખના 8 બંડલ આપવામાં આવ્યા. બંડલ પર બેંકની પટ્ટી લાગેલી હતી. નાગપુરમાં 40 લાખ ચૂકવાઈ ગયા બાદ થેલો ખોલતા ભાંડો ફૂટ્યો - બધી જ નોટો પર 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' લખેલું હતું.

*પોલીસે કેવી રીતે ટ્રેપ ગોઠવી?*

છેતરપિંડી બાદ વેપારીએ હાર ન માનતા પોલીસનો સંપર્ક કર્યો. ફરી પૈસા મંગાવવાનું નાટક કરી 19 નવેમ્બરે અમદાવાદના ઘાટલોડિયામાં પારસનગર પેટ્રોલ પંપ પાસે બંનેને બોલાવ્યા. પોલીસે સ્થળને કોર્ડન કરી બંનેને બેગમાંથી બંડલ કાઢતા જ રંગેહાથ ઝડપી લીધા.

*કોણ ઝડપાયા?*

1. રાહુલસિંહ વિજયસિંહ ઠાકોર (23) - દિલ્હી

2. માલચંદ પરમેશ્વરલાલ શર્મા (30) - નોખા, બિકાનેર, રાજસ્થાન

તેમની પાસેથી 500ના દરની 1666 નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. પૂછપરછમાં સામે આવ્યું કે, દિલ્હીના શખસે નોટો આપી હતી અને દરેક ડિલિવરી પેટે 5 હજારનું કમિશન + ભાડું મળતું હતું.

ગેંગના અન્ય 3 સાગરિતો - ગજાનન શર્મા (નોઈડા), ધનરાજ અને વરુણ હજુ ફરાર છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.