ગંભીર@લીમખેડા: મનરેગામાં લેબર કામો નામનાં, મટીરીયલની લ્હાયમાં કરારી અને ટીડીઓ રેશિયો ભૂલ્યા

 લીમખેડા તાલુકામાં કોઈ નિયમોનો ડર નથી.
 
 
ગંભીર@લીમખેડા: મનરેગામાં લેબર કામો નામનાં, મટીરીયલની લ્હાયમાં કરારી અને ટીડીઓ રેશિયો ભૂલ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


લીમખેડા તાલુકામાં જાણે દાદાગીરીથી અને જોહુકમીથી મટીરીયલ કામો છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહ્યા છે. મનરેગામાં લેબર અને મટીરીયલ રેશિયો બાબતે સ્પષ્ટ જોગવાઇ છતાં કરારી અને ટીડીઓ જાણે ભાન ભૂલ્યા છે. લેબર કામો તો નામ માત્રના છે અને મટીરીયલ કામો ઉપર જોર દેવામાં આવી રહ્યું છે. જાણે નિયમનો કે સીઆરડીનો કોઈ ડર ના હોય તેમ લીમખેડા તાલુકામાં ગામેગામ મટીરીયલ કામો પૂરજોશમાં રહ્યા અને તેમાં પણ સ્ટોનબંધ સૌથી આગળ છે. તાલુકા પંચાયતને સ્થાનિકો દ્વારા અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં ધડાધડ મટીરીયલ કામો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ જ વર્ષનો રીપોર્ટ જોઈએ એટલે ખબર પડશે કે, કેવી રીતે નાણાંનો ખેલ ચાલી રહ્યો છે.


દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આંતર જિલ્લા અને રાજ્ય સ્થળાંતર વધારે છે ત્યારે અહીં મનરેગા હેઠળ લેબર કામો ખૂબ થાય તે જરૂરી છે. જોકે બે વર્ષ પહેલાંથી અને આચાર સંહિતા પહેલાંની સ્થિતિમાં જોઈએ તો ટીડીઓ અને એપીઓના આશીર્વાદથી નિયમોની ઐસીતૈસી થઈ રહી છે. હકીકતમાં મનરેગામાં લેબર કામો 60% અને મટીરીયલ કામો 40% કરવાની જોગવાઈ છતાં લીમખેડા તાલુકામાં લેબર કરતાં મટીરીયલ ખર્ચ વધારે થાય છે. નાણાંકીય વર્ષ 2021-22 માં સરેરાશ 22 કરોડ લેબર ખર્ચમાં જ્યારે 28 કરોડ મટીરીયલ પાછળ ખર્ચ કર્યા હતા. વર્ષ 2022-23 માં સરેરાશ 24 કરોડ લેબર ખર્ચમાં જ્યારે 24.42 કરોડ મટીરીયલ પાછળ ખર્ચ કર્યા હતા. જ્યારે વર્ષ 2023-24 માં 35 કરોડ લેબર ખર્ચમાં જ્યારે 30 કરોડ મટીરીયલ પાછળ ખર્ચ કર્યા છે. ટીડીઓ અને એપીઓ સહિતની ટીમે લેબર સામે મટીરીયલ ખર્ચ વધારે તો ક્યારેક બરાબર કર્યું છે. હકીકતમાં જોઈએ તો નિયમ એવો છે કે, 100 લાખે 60 લાખ લેબર અને 40 લાખ મટીરીયલ કરવું પરંતુ લીમખેડા તાલુકામાં કોઈ નિયમોનો ડર નથી.


સૂત્રોએ જણાવ્યું હતું કે, લીમખેડા તાલુકાના ગામોમાં મનરેગા મામલે કોઈ રાજકીય દબાણ કે સેટિંગ્સ નથી એટલે એજન્સી અને કરારીઓ મટીરીયલના બીલો ધડાધડ મૂકી ગ્રાન્ટ ખેંચી રહ્યા છે. મનરેગાના આ નિયમોનું ઉલ્લંઘન ટીડીઓની ગર્ભિત સુચના, આશીર્વાદ કે મેળાપીપણા વગર શક્ય નથી. એટલા માટે ઉપરોક્ત સમયગાળામાં મટીરીયલના અને તેમાંપણ સ્ટોનબંધના કામોનો રાફડો ફાટ્યો છે. અહીંના કરારી સ્ટોનબંધ સૌથી વધુ કરાવે છે તેની પાછળ પણ મોટું ગણિત છે. સીસી રોડ, માટી મેટલ કે અન્ય ગામનાં જાહેર કામોમાં ભ્રષ્ટાચાર ઝડપથી શોધી શકાય અને આખા ગામને નજરે ચઢે એટલે આખા ગામથી અને જાગૃત લોકોથી ભ્રષ્ટાચારનો બચાવ કરવા સ્ટોનબંધ ઈરાદાપૂર્વક વધારે પ્રમાણમાં કરાવવામાં આવી રહ્યા છે. આગામી રીપોર્ટમાં વધુ ઘટસ્ફોટ જાણીશું.